46 - કોનો છાંયો લાગ્યો ? / દલપત પઢિયાર


અમે છેવાડી ધરો વસેલું ગામ
અમને કોનો છાંયો લાગ્યો ?
અમે જવારા ઊગતા, કોરું નામ
અમને શાનો છાંયો લાગ્યો ?
અમે તમારાં ક્યા જનમનાં વેર,
ચણોઠી !
ક્યાં તમારાં મારગઆડાં વેણ,
ચણોઠી !
રાતા રંગે ફણગો શાને ?
વણછો દેખો વળગો શાને ?
અમે હજી તો કાચી ફૂટતી પાંખ,
સાવ કોરી અજવાળેલી આંખ, અમે તો !
ક્યે ખૂણેથી છાનો છાનો સરક્યો છાંયો ?
છાંયો છાંયો છ છ શઢનો વેગ
અમને ખાળી રાખો !
છાંયો છાંયો છપ્પન ભવનો ભેદ
અમને ભાળી રાખો !
ઢગલો વળતી પાંપણ,
અમને ઝાલી રાખો !
અમે ઉઘાડી પાણી ચડતાં પૂર
અમને વાળી રાખો !
કોણ હજુ અહીં કાગ ઉડાડે ?
રોકો તો !
કોણ પણેથી ડાળ હલાવે ?
ટોકો તો !
જુવો, ખૂણેથી દીવા જલાવે કોણે ?
ફૂંકો !
છેક વડેથી વાટ બતાવે કોણ ?
થોભો !
અમે અજાણ્યું ડાળ-રમતું દાણ,
અધૂરી ફાળ,
કંઠી કાચે દોરે,
મણકે મણકે મારગ જેવું કોણ પરોવે ?
- કોણ પરોવે ?


0 comments


Leave comment