48 - ધન તમારી જાતર / દલપત પઢિયાર


ભણે પુરાણી
પરથમ પહેલું પગલું :
નથી, નથી, ના કોઈ સાચનું સગલું
આંખઆંખમાં મત્સ્ય ભોગતું
જુઓ નાચતું બગલું,
અહો ગુણીજન ઓરા આવો
બીજું ચરણ હું બદલું... ...
બીજે પગલે :
બેઠા બંદા, હાથમેં ઝંડા, પરગટ પરચા પાયા,
ધનધન કાયા, ધનધન માયા, ધન માડીના જાયા !
ધન તમારી જાતર ને ધન ગંગાજી ના’યા
પંડ્યનાં પગલાં જડ્યાં નહીં તે જોડાં ઝાલી લાયા !
લ્યો ત્રીજે પગથીએ આયા.. ...
ત્રીજે પગલે :
તોડ કાઢતાં તરત વસાતું તાળું
કોણ બોલતું, કોણ ખોલતું, કોણ થતું અંજવાળું ?
કોણે પડદા ખોલ્યા ને કોણ મગન થઈ ડોલ્યા ?
હીહી, હીહી...એ શું બોલ્યા ?
કાટ ખાય કૂંચી ને જા હવેલી ઊંચી !
તમતમારે ફૂટો
’લ્યા ! આપણે અહીંથી ઊઠો...
ચોથે પગલે :
ચલમ ભરી જીવ ગઢ વિષે જઈ બેઠો,
અદબપલાંઠી, નકલંક નિશાં, કબ્રૂ ન ઊતરે હેઠો
કોણ સમાધિ ?
કોણ સમંદર ?
કોણે પગલાં ક્યાં માંડ્યાં
ને કોણે કાપ્યું અંતર ?
ચેતમછંદર ! ચાદર ચાદર ચડતા ઉંદર
અહો બિલાડી ભાગો પંદર
પાંચ તારી અંદર.........!


0 comments


Leave comment