49 - છતરસંગ છાના રો’ / દલપત પઢિયાર


છીંક ખાતાં છીંડાં પડે એ છતની નીચે
રાત દિવસનો વેશ, છતરસંગ છાના રો’ !
ચાદર કે’તાં વીંછી ચડે એ પડની નીચે
રણચંપાનો દેશ, છતરસંગ છાના રો’ !
છેલ તમારી છતરી હેઠે છાંયો ભરતી
ઓઢણિયોનું ટોળું – તરસ્યું છૂટી ગયું
તે ભલે ગયું !
ભલે રહ્યું અહીં ફરફર જેવું,
ફોરાં જેવું ખૂટી ગયું તે ભલે ગયું !
હજુ બગીચા લીલા, હંબો !
હજુ હથેળી હાં, કસુંબો !
હજુ મૂંછનો ઓહો, હોહો !
તહતહ તૂટતાં તળાવ મધ્યે તમે વધ્યા તે શેષ
છતરસંગ છાના રો’ !
છેલ તમારા ફેંટામાંનાં ફૂલ ચૂંટીને
રસ્તા લ્યો ચકચૂર !
છેલ તમારા ખોંખારાને ખસ કહેવાની
કોની છે મગદૂર !
ખરાખરીમાં ખેલો,
ખમ્મા !
ભાંજગડ પડતી મેલો,
ગાવો
ઘેન ગુલાબી હેલો......
ખેસ, ખાડું ને દડદડ ચૂવો, ઉપરછલ્લાં !
કોણ પૂછે છે, શું કૂવો શું કલ્લાં ?
ઉપર ઉપરથી અજવાળેલાં બેડાં,
અંદર કોણ જુએ છે ?
કોણ ગણે છે તલવારોના ઘા, -ભા !
પગ ખસેડી પગલું ભરતાં, પંછાયાની ઠેસ,
છતરસંગ છાના રો’ !


0 comments


Leave comment