50 - મોજડી / દલપત પઢિયાર


મનમાં દીઠેલી એક મોજડી રે લોલ
મોજડીએ મારેલા ડંખ જો
દરિયા રોકીને ડંખ ઝારિયા રે લોલ !
દરિયે ઉલેચી એક દેડકી રે લોલ
દેડકીએ બાંધેલા બેટ જો
બેટની બજાર બેઠો બાદશા રે લોલ !
બાદશા બગલાંની ભણે વારતા રે લોલ
વારતામાં વેરાતાં ફૂલ જો
ઢગલો ફૂલડાંમાં ફાલે દેડકી રે લોલ !
ફરતો ફાગણ લીધો ફાંટમાં રે લોલ
કોરમોર રેલ્યાં કપૂર જો
રંગ ઋતુ કે રંગ રોઝડી રે લોલ !
કો’ તો ઘડાવું કૂણી મોજડી રે લોલ
માછલી મઢાવું મારંમાર જો
ફરતી મંડાવું ઘમર ઘૂઘરી રે લોલ !
ઘડતાં ઘડતાં ગાજ્યાં વાદળાં રે લોલ
ઘૂઘરીમાં ઘેરાયાં પૂર જો
ઊંઘતાં પગલાંને અડ્યા ઉંબરા રે લોલ !


0 comments


Leave comment