52 - રાજગરો / દલપત પઢિયાર


રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો !
હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો !
કોણે રંગ ઉમેર્યો ?
ક્યાંથી અમથું અમથું લે’ર્યા ?
સૈયર ! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો !

રાજગરાને વણછે વધતો રોકોજી,
રાજગરાને ભોંય બરાબર રાખોજી,
રાજગરાનાં પાન
રણમાં તરતાં નીકળ્યાં કોણ ?
સૈયર ! લે’ર્યો મો’ર્યો લીલું કંચન રાજગરો !

રાજગરો કેડ-કમ્મર ફાલ્યોજી,
રાજગરાનો અઢળક ઢળિયો છાંયોજી,
રાજગરાનાં ફૂલ
રાતી ચનોખડીનાં મૂલ
સૈયર ! રે’તાં રે’તાં રગરગ રેલ્યો રાજગરો !

રાજગરાને આરણ-કારણ રાખોજી
રાજગરાને વેરણ-છેરણ નાખોજી
રાજગરાનો છોડ
અમને ઘેન ચડ્યું ઘનઘોર
સૈયર ! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો !


0 comments


Leave comment