53 - ઉપ-વાસી / દલપત પઢિયાર


પ્રાણ પરદેશી કિયા ગઢના વાસી,
અમે ઊભાં ઉદાસી.

અમને દાદા તમારા મુખડાની માયા,
કાયાનું ઘર છોડીને ક્યાં જઈ સમાયા ?
રહી રહીને રમતા આવે બોલ બારમાસી
અમે ઊભાં ઉદાસી.

ઊભેલી ખાટ આંબો આંખોને આંતરે,
પગલું પગરખાં પાછાં પાંગથને પાથરે,
મઘમઘતી માટી મૂકી ઊઠ્યા ઉપવાસી
અમે ઊભાં ઉદાસી.

મંડપ છોડીને મોભી માંડી ક્યાં ગોઠડી
રણમધ્યે રંગો બાંધે રાતી ચનોખડી
ચંદને છાંયે છૂટ્યા શ્વાસ સમાસી
અમે ઊભાં ઉદાસી.

ઊજળાં ઓઢીને તમે ઊતર્યા ઓવારો
માનસરોવર માંહ્યલાં મોતીનો ચારો
હંસ ઊચર્યા ૐ ગગન ગાજ્યાં વિશેષી
અમે ઊભાં ઉદાસી.

ફૂલના તોરા ને શ્રીફળ શેષે અંજવાળાં
તુલસીના ચોકે ચાંદોસૂરજ સરવાળા
શબદ સંકેલી શૂનમાં સૂતા જળશેષી
અમે ઊભાં ઉદાસી.


0 comments


Leave comment