5 - ગાતાં ખોવાઈ ગયું ગીત / રમેશ પારેખ


ગાતાં ખોવાઈ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઈ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યા તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઈ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં.


0 comments


Leave comment