1.66 - સખી, મને ભારે વરસાદનું સુખ / મુકેશ જોષી


સખી, મને ભારે વરસાદનું સુખ
હું ને આકાશ બેઉ ખૂબસૂરત લાગીએ
કે આભ મને પહેરાવે ઝાપટાનું રૂપ ... સખી

સપનાની આંખ્યુંમાં અજવાળું આંજવા
આભના સંકેતે વીજળી ઝબૂકે
ઘેલું આકાશ મારા હાથમાં મૂકી દે
પહેલા વરસાદનો રૂપેરી બૂકે
ભીના શરીરેથી ઊમટે સુગંધી જાણે
સાંજ સમે કીધો હો ગૂગળનો ધૂપ ... સખી

વાયરાની સંગાથે ચિઠ્ઠીઓ મોકલે ને
મોકલે પલળવાના વરસાદી સમ
મંદિરમાં બેઠેલી હોઉં તોય ભાગું ને
પાળું પલળવાનો પહેલો ધરમ
કાયા તો નિતારી નાંખું પણ શી રીતે
મનમાંથી નિતારું એનું સ્વરૂપ ... સખી


0 comments


Leave comment