1.70 - તો પાડ... મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ / મુકેશ જોષી


સ્મરણોનો લેપ છતાં દુ:ખે છે હાડ
ક્યાંક લાગે છે અંદર તિરાડ
તો પાડ,
મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

સોળે શણગારે સજાવીને મોકલી,
શુકનમાં આપ્યું’તું દહીં
પાછી ફરી તો સાંજ સાવ રે ઉદાસ
એના અંગ ઉપર આભૂષણ નહીં
આંખમાંથી પંખીઓ ઊડ્યાં
જ્યાં અથડાયાં ધ્રાસકાનાં બબ્બે કમાડ

તો પાડ... મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
રાતનીયે આંખો ઉદાસ
મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
પોતાને ચાલે અમાસ
ખડખડાટ નામનું ગામ મેં વસાવ્યું ને
આંસુએ પાડી જ્યાં ધાડ

તો પાડ... મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ


0 comments


Leave comment