1.71 - હરિ, આ મારા જન્માક્ષર તો વાંચો / મુકેશ જોષી


હરિ, આ મારા જન્માક્ષર તો વાંચો
લખચોરાશી ફેરામાં આ ક્યાંક પડે છે ખાંચો...

હરિ, તમે તો ભાગ્યવિધાતા, આગળપાછળ ઘણું વિચારો
ને લખતી વેળાએ પાછા સાવધ ને સચેત
હરિ, તમે લખતા’તા તે દિ’, હું તો સાવ જ નાનો,
ખાલી છ જ દિવસનો નહીં તો તમને એ જ દિવસ હું કહેત

હરિ, તમે મૂકવું ભૂલ્યા છો, સૂરજ નામે ઝળહળ ખાનું
(તો) લ્યો હવે કરી આપો એમાં એક સુધારો સાચો
— હરિ આ મારા

હરિ, હવે આ જનમકુંડળી વચ્ચે છોને સૂરજ ના મુકાય
નાનો દીવો પણ મૂકી આપો તોય ચાલે
દીવો પણ મૂકવાનું તમને ના ફાવે તો, કેવળ તમરું નામ લખી દ્યો
પછી નહીં ફરિયાદ આવતી કાલે

હરિ, આ મારી જનમકુંડળીમાંથી સીધો રસ્તો તમ લાગે
છોને ઊબડખાબડ હો ને પાછો કાચો
— હરિ આ મારા

હરિ, જાઉં છું પાછો કિંતુ કામ હશે તો જરૂર પાછો આવીશ
ને નક્કી જ તમારું કામ મને પડવાનું
હરિ, તમને પણ કંઈ કામ હોય તો મળજો આવીને, પાછા
સંબંધો સચવાશે થાશે અરસપરસ મળવાનું

હરિ, તમારી આવનજાવન થતી રહેની મળે ખાતરી,
તો મારે ક્યાં વાંધો છોને જન્માક્ષરમાં ખાંચો


0 comments


Leave comment