1.72 - હરિ, તમારા ઝાંખાપાંખા અજવાળાની.. / મુકેશ જોષી


હરિ, તમારા ઝાંખાપાંખા અજવાળાની
કરી લાકડી ટેકે ટેકે ચાલું
તપી તપીને લાલ થયેલા શ્વાસ ઉપર
લો છાંટી દો ને ગુલાબજળનું પ્યાલું

શિયાળાની સમસમતી કો’ રાત સમું ભાયગ ને
માથે તીણાં તમરાં બોલે

સૂરજનાં હું ખખડાવું છો દ્વાર છતાં ના
સોનેરી કિરણોનાં દ્વારો ખોલે
પડું પડું હું થાઉં ને મારી જીભ ઉપર
લટકાવેલું તવ નામ ફરીથી ઝાલું.. હરિ...

હરિ, અમારી છિદ્રાળુ આ જાત મહીંથી
ઝલમલ ટપકે જનમ-જનમની પ્યાસ
ઇચ્છાની સંકેલી પાંખો, આંખોએ પણ
કીધેલા છે સમણાંના ઉપવાસ

હરિ, હવે તો ઝઘડું તોય કોની સાથે
ટોળામાંથી કોઈ નથી રે વ્હાલું... હરિ...

હરિ, અમારું અંતર તો છે રેશમરેશમ
મખમલ મખમલ, અત્તર અત્તર જેવું
જગને જોઈ થાકેલી તવ દૃષ્ટિને જો
મારા અંતરમાં મૂકો તો કેવું!

હરિ, તમોને હસવું આવે એવું મારું જીવન
તોય મલકી લો ને ઠાલું.. હરિ....


0 comments


Leave comment