1.76 - તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો / મુકેશ જોષી


હે ઈશ્વર!
તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો
છાંયડાઓ પિવડાવી હિંમત મેં આપી
તેં તડકાથી ખૂબ એને માર્યો હતો

તેં એની કેડી પર ખીણ કોતરાવી
ઉપરથી ભભરાવ્યા પહાડ
મેં એને ભૂલવા ગીત એક આપ્યું
તેં છીનવી લીધો ઉપાડ!
એ સપનાંઓ કૂવામાં નાખવા જતો’તો
મેં દોડીને અધવચ્ચે વાર્યો હતો
તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો

એના ભૂતકાળનું ખાલી ખાબોચિયું
ટાંપીને બેઠું’તું ઝાપટાં
તેં એની સામે કંઈ ડમ્મરીઓ ઉડાડી
ફરકાવ્યા રેતીના વાવટા
સૂરજ તું આપવાનું ભૂલી ગયો
વળી દીવોય એનો તેં ઠાર્યો હતો
તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો

તારું છે રાજ તોય યાતના કરાવે છે
એક એક જણને ગુલામી
લાગતું નથી તને, તારી આ રચનામાં
નાનકડી કોઈ એક ખામી
તારે તો રમવું’તું એટલે તેં માણસને
ચોર્યાસી ભવમાં ઉતાર્યો હતો
તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો


0 comments


Leave comment