1.77 - પાસ હવે પારણું ઝુલાવવાનું ટાણું... / મુકેશ જોષી


હો રાજ! મને કહેતાંય આવે છે લાજ
હવે ગાવું આ કેમ કરી ગાણું
ફૂટ્યા છે રોમરોમ ચંપા ને મોગરા
જીવન આ મહેકથી ભરાણું
પાસ હવે પારણું ઝુલાવવાનું ટાણું...

વ્હાલપની વર્ષામાં ધોધમાર ભીંજાતાં
અણધારે પાડેલો ફોટો
મારા આકાશમાં ઝબકી ઊઠ્યો
એક તારા તે તેજનો લિસોટો
હો રાજ! હવે રોપાવો આંબલી
મન્ન મારું ખાટું ખાવાને લોભાણું...પાસ હવે

સમણામાં આવીને, ઘૂંટણિયે બેસીને
મલકે છે કોઈ ખૂબ મીઠું
તારા ને મારા આ સરવાળા જેવું
મેં નાનકડું બિંબ કોઈ દીઠું
હો રાજ! હું તો મારામાં માતી નથી
તમે કેવું દીધું આ નજરાણું... પાસ હવે

કાલી તે ભાષાના બોલ, હવે કાનોમાં
પડઘાતા આવીને લાગે
હૈયામાં એક કોર સૂતેલાં હાલરડાં,
આળસ મરડીને હવે જાગે
હો રાજ! હું તો જાણું ના એનો ઉકેલ
છતાં વહાલું લાગે રે ઉખાણું પાસ હવે


0 comments


Leave comment