6 - દરિયાઉં શમણે આવ્યા….. / રમેશ પારેખ


એન કાંઈ દરિયાઉં શમણે આવ્યા કે તો ય આંખ કોરીમોરી રે લોલ
બાઈ, મારું નીંદરનું દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રે લોલ

બાઈ, મારે મોભે કળાયેલ રાત કે નળિયાં ગ્હેક્યા કરે રે લોલ
ગ્હેકે ગ્હેકે આંગણાની પગથાર બે પાંદડા બહેક્યા કરે રે લોલ

ખડભડ ગઢને ગબ્બર ગોખ કે ઝમરખ દીવો બળે રે લોલ
લોલ, મારે કંચવે આભલાંની હાર કે ભીંતમાં ભાત્યું પડે રે લોલ

બાઈ, મારે ત્રાજવે ત્રંફાવેલ પંખી કે ભર્ર દઈ ઊડી ગયું રે લોલ
લોલ, મારી પચરંગી ચોપાટ કે સોગઠે કોણ રમે રે લોલ

ઘેર હું તો પાતલડી પરમાર્ય કે એકલી ફાટી પડું રે લોલ
બાઈ, મારી પાનીની ગોટમોટ રેખ કે નીસરે કેડી થઈ રે લોલ

કે બાઈ, મારે હાલવું તે કઈ પેર કે પીંડિયું તૂટી પડે રે લોલ
ઝાંખેપાંખે દીવડાને અજવાસ કે ચાકળો બૂડી જશે રે લોલ

બાઈ, મારી ભરમર ભાંગશે રાત કે દૈયણાં માંડશું રે લોલ
દૈયણાં દળીએ આઠે પ્હોર ને દૈયણાં ખૂટે નહીં રે લોલ.


0 comments


Leave comment