2.3 - આ વખત તો ખૂબ છોલાવું પડ્યું / મુકેશ જોષી


આ વખત તો ખૂબ છોલાવું પડ્યું
દર્દ પાછું સ્મિતમાં ગાવું પડ્યું

આઈનાએ મશ્કરી મારી કરી
એટલે પથ્થર સુધી જાવું પડ્યું

જેમને મેં છેતર્યા’તા કોક દી
એમનાથી રોજ સંતાવું પડ્યું

એ નદીમાં લાશ ફેંકી કોઈએ
ઓ નદી, દરિયે જઈ ન્હાવું પડ્યું?

કાં તો એકલતા ને કાં ટોળું મળે
આખરે ટોળામાં જોડાવું પડ્યું

એમણે કીધું કે પાછા આવજો
એટલે પાછા ઘરે જાવું પડ્યું


0 comments


Leave comment