2.4 - આપી ગઝલ / મુકેશ જોષી


આ હૃદય-અવકાશને તેં પૂરવા આપી ગઝલ
કે પછીથી જિંદગીભર ઝૂરવા આપી ગઝલ

છેક પાતાળો લગી તણખા જ તો વહેતા હતા
એ ધરાની મધ્યમાં અંકુરવા આપી ગઝલ

આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ

આમ તું અવતાર લે છે એ મને ન્હોતી ખબર
મન થયું ને એટલે તેં સ્ફુરવા આપી ગઝલ

જખ્મ, પીડા, દર્દને ભેગાં કરો શાયર બને
એ જ દર્દો ઘૂંટવા ચકચૂરવા આપી ગઝલ


0 comments


Leave comment