2.8 - તો તું શું કરીશ? / મુકેશ જોષી


ખેરવી નાખે જ તારાં પાન તો તું શું કરીશ?
ખીલવાનું દે પછી આહ્વાન તો તું શું કરીશ?

વેશ સાધુનો લઈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહીં ઇન્સાન તો તું શું કરીશ?

એમને મુઠ્ઠી ભરી તું શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તું શું કરીશ?

કાલ જેને તેં હણ્યો એ સત્યવક્તા હું હતો
રૂબરૂ આવી કહે ભગવાન તો તું શું કરીશ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેંસલો
ભાગ્યમાં તારે નથી અવસાન તો તું શું કરીશ?


0 comments


Leave comment