2.9 - તું ફકત ના હાર જો કે જીત જો / મુકેશ જોષી
તું ફકત ના હાર જો કે જીત જો
યુદ્ધ કરવાનીયે એની રીત જો
દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે
મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો
હું ગઝલના ગામમાં રહેવા ગયો
યાદ આવ્યું તોય પાછું ગીત જો
ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે
કોક બાંધે છે અહમ્ની ભીંત જો
કામ સહુ પૂરાં કરીને નીકળ્યા
યાદ આવ્યું રહી ગઈ ’લ્યા પ્રીત જો
0 comments
Leave comment