2 - તમે / રમેશ પારેખ


આંખને મૂર્ખ કહો કે કહો અઠંગ તમે
એ જ દ્રિધાથી રહો છો હંમેશ તંગ તમે

ઊંઘે છે ઘસઘસાટ કોણ આ તમારામાં
બની ગયા છો અરે, કોઈનો પલંગ તમે

ચરણમાં ચાર ભીંતોનો પ્રવાસ સંકેલી
બધી દિશાને બનાવી દીધી અપંગ તમે

એક અફવા અફીણ જેમ ગટગટાવીને
પૂરો છો પાંપણો વચ્ચે અનેક રંગ તમે

હવામાં, શબ્દમાં, ઘરમાં, સમયમાં, લોહીમાં
અનેક મોરચે ખેલી રહ્યા છો જંગ તમે

તમારા હાથમાં બાવન સમુદ્ર કેદી છે
અને તૃષાથી વલોવાવ છો સળંગ તમે

વેશ માણસનો તમે પ્હેર્યો છે આ નાટકમાં
કરો છો ભવ્ય અભિનયથી સૌને દંગ તમે

(૨૦-૧૦-૧૯૭૬ બુધ / ૨૦-૧૧-૧૯૭૬ શનિ)


0 comments


Leave comment