4 - લોકોકિત / રમેશ પારેખ


એકદા શહેરમાં તરસ્યું કોઈ હરણ આવ્યું
તો એની ગંધે ગંધે પીછો કરતું રણ આવ્યું

શેરીએ શેરીએ ને ઘેર ઘેર પણ આવ્યું
આમ આવ્યું તો ટાણું કેટલું કઠણ આવ્યું

ન ઝૂકી સાંઢણી, ઝુકાવ્યો સૂર્ય ના ઝૂક્યો
ન ખૂટ્યા માર્ગ ન વચ્ચે કોઈ ઝરણ આવ્યું

ભીડ ખૂંચી, હવેલી ખૂંચી, ઝરૂખા ખૂંચી
આ મારી આંખમાં કઈ જાતનું કળણ આવ્યું

ન ખુલ્લી આંખોમાં આવ્યું ન બંધ આંખોમાં
કરી પ્રતીક્ષા મરણની તો ના મરણ આવ્યું

રમેશ, ત્યારથી ખુલ્લા પડ્યા છે દરવાજા
કે આવવાના પ્રસંગે ન એક જણ આવ્યું

(૨૮-૦૫-૧૯૭૫ / બુધ)


0 comments


Leave comment