7 - આ બળતું નગર... / રમેશ પારેખ


આ બળતું નગર છે નગરમાંથી દોડી નીકળવાનું છે,
અહીં છે કશું તેને અહીંયા જ છોડી નીકળવાનું છે.

પેંતરા ગૂંથતી આ છટકબારીઓથીય બચવાનું છે,
ને સમભાવનું મજબૂત કાંડું મરોડી નીકળવાનું છે.

આ ઘટના, આ મૂર્ચ્છા, વિચારોની આ ભયજનક કોટડી,
આ બધા લાલચુ પહેરેદારોને ફોડી નીકળવાનું છે.

ને છાતીમાં બોજો, ખટક લોહીમાં, હાથમાં ઝાંઝવાં
છે આ પૂર્વજો જેની ખામ્ભો ખોદી નીકળવાનું છે.

તકાદો છે, તાળું છે, છે સર્વ સંજ્ઞાના દરવાજા બંધ,
ને પગમાંથી તોતીંગ સાંકળને તોડી નીકળવાનું છે.

એક તૂટેલા ચહેરાના ટુકડાઓ જોડી નીકળવાનું છે. ,
આ બળતું નગર છે, નગરમાંથી દોડી નીકળવાનું છે.

(૨૯-૦૫-૧૯૭૫ / ગુરુ)


0 comments


Leave comment