8 - બહુ કઠિન છે / રમેશ પારેખ


બહુ કઠિન છે અહીં આંખનું મીંચાવું તે
આ એવું શ્હેર છે જ્યાં ટેવ છે બુઝાવું તે

અહીં તો કાચ જેવો કાચ પણ પ્રવાહી છે
ગુનો ગણાય છે આ શ્હેરમાં ભીંજાવું તે

પતંગ જેમ હું આકાશે જઈને પામ્યો છું
પૂછો કે શું, તો આ જન્નોઈવઢ ચિરાવું તે

હાથ પોતાની વ્યંજના લૂંટાવી બેઠો છે
લૂંટાવું એનું Cold printમાં લૂંટાવું તે

એક બાદશાહના દરબારમાં કરાંજું છું
જે નથી જાણતો શું હોય છે વીંધાવું તે

દરેક પાંદડું એની સફરનો નકશો છે
દરેક વૃક્ષની મંજિલ છે ચીમળાવું તે

સૂરજ ઊગે છે પવનને મળે છે અજવાળું
મળે છે આંખને સપનાનું વીખરાવું તે

ફરક છે એટલો પાણી ને તારી વચ્ચે, રમેશ
તું ઉર્ફ બેઉ : ભીંજાવું અને સુકાવું તે

(૨૨-૧૧-૧૯૭૭ / મંગળ)


0 comments


Leave comment