19 - ચીર વિરહીનું ગીત…. / રમેશ પારેખ


આ હથેળીઓમાં છૂટીછવાઇ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે ?

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર - શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મુકીને કોણ ગયું ને આંગળીઓ શું જાણે

આંગળીઓ શું જાણે આ તો લોહીયાળો પાતાળો વીંધી
પાંપણ ઉપર ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે ?

ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દ્રશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું ‘જોવું’
સુક્કા સુક્કા ટગર વ્રુક્ષ પર ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને ક્યા તાંતણે પ્રોવું ?


આમ આપણું વસવું એ કૈં કપાસ કેરો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે ?


0 comments


Leave comment