86 - બોલવામાં ચાલવામાં ફેર છે / દિનેશ કાનાણી
બોલવામાં ચાલવામાં ફેર છે.
એટલે તો, આટલું અંધેર છે.
માત્ર બસ થોડા ઘણા મતભેદ છે,
લોક કહે કે બેઉ વચ્ચે વેર છે.
ચીસ છે કે ટહુકો એ નક્કી કરો,
સાવ આ તાજો જ મારો શેર છે.
એક બે જો હોય તો કહીં પણ દઉં,
દુર્દશાના કારણો સિત્તેર છે.
હું અહીં તો આપનો મહેમાન છું,
મારો અસલી ચહેરો મારે ઘેર છે.
એક વ્યક્તિ કાંકરીચાળો કરે,
ત્યાં જ ડામાડોળ આખું શહેર છે.
કેમ દઉં આ શ્વાસ મારા હું તને,
મારી અંદર આ જગતનું ઝેર છે !
0 comments
Leave comment