93 - તારા સોરઠ દેશે કોઈ દંતકથા-શો ફરું… / રમેશ પારેખ


યાદ નથી
હું પવનપાવડી પ્હેરી
કોઈ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્રીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયો
ભમ્મર પાંચસાત પાતળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં.

યાદ નથી
હું ગામધિંગાણે ખપી ગયેલા
સૂર્યવંશીના કોઈ પાળિયે
સુંદરીઓની સિંદૂરભીની આંગળીઓના
કંકણવંતા સ્પર્શ સોંસરી
કંકણવંતા હાથ સોંસરી
લોહી સોંસરી
લોહી સોંસરી
જીવ સોંસરી
હરતીફરતી વીરગતિમાં હોઉં.
છતાં

હું તારા સોરઠ દેશે કોઈ દંતકથા-શો ફરું :
મારે મારા રાજપાટમાં
પૂરપાટ એક વેણુ નામે નદી વહે છે
નદી નામના ફાટફાટ આભાસી જળને કાંઠેકાંઠે
હું જ એકલો
કાળી પોલી જરઠ સાંકડી સુક્કી હિંસક રૈયત થઈને વસે
શ્વસે આભાસી જળને
શ્વસી શ્વસીને રૈયત રાતીમાતી
મારી ગજગજ ખાલી છાતી
રૈયત ચોરેચૌટે ભરે ડાયરા
દરદ નીતરતા દૂહા ગાય
કે વહીવંચાની વાત સાંભળે
ઘૂંટે કસુંબા
હલ્લો કરતા
બખ્તર ભાલા તેગ કટારી હાથ પડ્યું હથિયાર લઈને
હાંકો કરતા
હયદળ પાયદળ
મને ગામથી બહાર
ગામથી ગામ
દેશથી દેશવટાઓ આપે
સદીઓની સદીઓથી આવું કોણ મને સંતાપે ?
પગલે પગલે પારિજાતની ડાળ
ડાળ પર બાવળ જેવી શૂળ ઊગે છે
અને શૂળને છેડે મારા સૂરજવંશી કૂળ ઊગે છે.
દટ્ટણપટ્ટણ ગઢની માથે ફરી વળેલી ધૂળ ઊગે છે
હથેળીઓમાં રેખા થઈને કણસ્યા કરતું ક્યા
વૃક્ષનું મૂળ ઊગે છે ?
જંગલ મારી વાત છુપાવી ચૂપચાપ છે
ચૂપચાપ છે જંગલ મારી વાત છુપાવી
મને અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં
મને સાંભરે દાદાજીની વાત....
દાદાજી કહેતા કે
મારા પરાક્રમી વડદાદાઓની
પવન ચાકરી કરતા
સૂરજ રજા લઈ આથમતા
એવા મારા દુદર્મ દાદાજીએ
ત્રેતાયુગની છાતીમાં
ધરબ્યા’તા સોંપટ ખીલા
એવા કોઈ ખીલાની કરચ શોધતો ટીંબેટીંબે ફરું
મને ય મારા દાદા જેવો થઈ જવાની હોંશ હતી ગઈ કાલે
મને ય મારા દાદા જેવો થઈ જવાની હોંશ હતી ગઈ કાલે
આજે સતત અવતર્યા કરતી મારી કુંવારીઓને
દૂધપીતી કરવાની દૈવત નથી હાથમાં રહ્યું
પછી હું ગામધિંગાણે
ખપી ગયેલા સૂર્યવંશીનો હોઉં પાળિયો ક્યાંથી ?
ક્યાંથી પવનપાવડી પ્હેરી
કોઈ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્રીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયો
ભમ્મર પાંચસાત પાતળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં.
પછી

આ ક્યા જનમમાં પિવાયેલ હુક્કાઓના ધૂમ્રગોટ
આંખોમાં આજે ફરી વળ્યા છે ?
લૂંબઝૂંબ આ ઝળુંબતા ગુલમ્હોર જોઈને
ક્યા જનમમાં પિવાયેલ કેફ – કસુંબા
આવે છે ઓસાણે ?
નદી નામના ફાટ ફાટ આભાસી જળને જોઈ જોઈ
આ ક્યા જનમના ખોબેખોબે રડી પડ્યાના વહાલા દિવસો
લુખ્ખીસુખ્ખી આંખ વિષે અફળાય ?
સોનલ... સોનલ....
એવું તે હું શું ય હતો કે
તારા સોરઠ દેશે કોઈ દંતકથા-શો
ટીંબે ટીંબે ફરું ?


0 comments


Leave comment