89 - સૂના સૂના દ્વાર લાગે છે મને / દિનેશ કાનાણી
સૂના સૂના દ્વાર લાગે છે મને,
આંગણે ચકચાર લાગે છે મને !
બિનજરૂરી આપના આ સ્મિતમાં,
દર્દનો અણસાર લાગે છે મને !
થઈ ગયો છું સાવ હળવોફૂલ હું,
યાદનો પણ ભાર લાગે છે મને !
નિતનવેલી આ ક્ષણોની ભીડમાં,
ખૂલતો વિસ્તાર લાગે છે મને !
થોડી ધીરજ રાખજો હે ! દોસ્તો;
હારતા બહુ વાર લાગે છે મને !
એટલે લખતો રહું છું હર ઘડી,
શબ્દ તારણહાર લાગે છે મને !
અંતવેળા ઊંઘથી જાગી જવું,
જિંદગીનો સાર લાગે છે મને.
આ હૃદયમાં ચાલતા ધબકાર પણ,
પૂર્વવત પડકાર લાગે છે મને.
બંધ આંખે જે કશું વાંચી ગયા,
એ મિલનનો સાર લાગે છે મને.
0 comments
Leave comment