2 - ‘અંતિમ યુદ્ધ’ નિમિત્તે – નિવેદન / ધ્વનિલ પારેખ


   મહાભારત આધારિત ભારતીય નાટકોનો આલોચનાત્મક અભ્યાસ - આ વિષય હતો મારા પીએચ.ડી.ના શોધનિબંધનો. આ અભ્યાસ દરમિયાન એક વાત જાણવા મળી, કે ભીષ્મને કેન્દ્રમાં રાખીને દીર્ઘનાટક લખાયું નથી અને લખાયું હોય તો હજી એ સુધી મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે, અભ્યાસ વખતે જ એક વાત ઘર કરી ગઈ હતી કે ભીષ્મને કેન્દ્રમાં રાખીને એક દીર્ઘનાટક લખવું.

   આ પૂર્વે ‘આ છોકરો એ જ છે’ નામનું એક દ્વિઅંકી નાટક લખ્યું હતું અને સુરત મહાનગરપાલિકાની નાટ્યસ્પર્ધામાં મારા દિગદર્શન હેઠળ એ ભજવાયું પણ હતું. બે-ત્રણ એકાંકીઓ લખવાનો પણ અનુભવ હતો. મનમાંથી ભીષ્મવાળી વાત ખસતી નહોતી એટલે અભ્યાસ જેવો પૂરો થાય કે નાટક લખવું એવું નક્કી કર્યું હતું. દરમિયાનમાં ‘મુંબઈ સમાચાર’માં નાટ્યપર્વ-૨૦૦૪ની જાહેરાત આવી. નાટ્યલેખન સ્પર્ધા - પ્રથમ ઇનામ એક લાખ રૂપિયા અને બીજું ઇનામ – પચાસ હજાર રૂપિયા. આ જાહેરાતથી ફરી પેલી ભીષ્મવાળી વાત સળવળી ઊઠી. પણ આ પ્રકારની સ્પર્ધાઓમાં પહેલેથી જ બધું ગોઠવાયેલું હોય છે અને મુંબઈની સંસ્થાઓ જો એનું આયોજન કરતી હોય તો આપણો ગજ ક્યાં વાગવાનો - આવા ખ્યાલોને કારણે પણ મનની વાત મનમાં જ રહી હતી. પણ સ્પર્ધા માટે નાટક મોકલવાની અંતિમ તારીખે મેં ‘અંતિમ યુદ્ધ' નાટક મોકલ્યું અને ભૂલી ગયો.

   એક દિવસ અચાનક નૌશિલ મહેતાનો ફોન આવ્યો. નૌશિલ મહેતાના નામ અને કામથી હું પરિચિત હતો. એમણે ફોન ઉપર મારી ઉલટ-તપાસ કરીને ખાતરી કરી કે હું જ ધ્વનિલ પારેખ છું કે નહીં ! પછી એમણે ધડાકો કર્યો કે મારું નાટક ૬૩ નાટકોમાંથી અંતિમ પાંચ નાટકોમાં પસંદગી પામ્યું છે અને હું એકદમ શમ્મી કપૂરની માફક ‘યાહુ’ કહેતો ઝૂમી ઊઠયો. પછી તો અંતિમ ચરણની સ્પર્ધા માટે મારે મુંબઈ જવાનું થયું. કમલેશ મોતાના દિગ્દર્શન હેઠળ આ નાટકનું પઠન નિર્ણાયકો કેતન મહેતા અને આતિશ કાપડિયા સામે થયું. આ સ્પર્ધાના જે પાંચ નાટકો પસંદ થયા હતા. એમાં મધુ રાયનું નાટક પણ હતું. મધુ રાયને પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. મારી ગુજરાતી ભાષાના એક સમર્થ નાટ્યકારનો હું ત્યારે હરીફ હતો, એનો રોમાંચ આજે પણ મને છે. ૬૩ નાટકોમાંથી શ્રેષ્ઠ પાંચ નાટકોમાં ‘અંતિમ યુદ્ધને સ્થાન મળ્યું એનો આનંદ પણ છે. આ નાટક નિમિત્તે નૌશિલ મહેતા અને મુંબઈના અન્ય રંગકર્મીઓ સાથે પરિચય થયો એ પણ મારે મન વિશેષ ઉપલબ્ધિ છે.
* * *
   નૌશિલ મહેતાએ મારા નાટક વિશે એવું કહ્યું હતું કે આ નાટક ધરતી ઉપર ભજવવું તો અશક્ય છે. નાટકમાં અનેક સ્ત્રીપાત્રો હોવાને કારણે એમણે ઉપર મુજબની વાત કરી હતી. કમલેશ મોતાને પણ નાટકના પઠન માટે આખી ટીમ ભેગી કરવા ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. સુરતમાં મેં મારા દિગ્દર્શન હેઠળ આ નાટક ભજવવાની શરૂઆત કરી હતી પણ મનેય એ જ વ્યવહારું મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના અન્ય એક નાટયદિગ્દર્શક મેહુલ શર્માને પણ એ જ વ્યવહારું મુશ્કેલી નડી હતી. મુંબઈ, કે જ્યાં ધંધાદારી રંગભૂમિ આટલી સફળ છે ત્યાં પણ જો અભિનેત્રીઓ ભેગી કરવા માટે મુશ્કેલી પડતી હોય ત્યાં મારી સુરતમાં શી સ્થિતિ થાય એ સમજી શકાય એમ છે.
* * *
   શહેર સુરતમાં મારો જન્મ. સુરતને કારણે મારામાં નાટક છે એમ કહું તો એમાં જરાયે અતિશયોક્તિ નથી. જાણીતા નાટ્યલેખક પ્રા. જ્યોતિ વૈદ્ય મારા મહોલ્લામાં રહેતા હતા. એમની ઘરની અગાસી ઉપર રાત્રે નાટકના રિહર્સલ ચાલે અને મને કૌતુક થતું. પછી તો એમની દીકરી અને મારા ગુરુ પ્રા. સોનલ વૈદ્ય-કુલકર્ણી સાથે કેટલાંક બાળનાટકોમાં અભિનય પણ કર્યો અને મારો રંગભૂમિ સાથેનો અનુબંધ પાકો થતો ગયો. નાટકમાં અભિનય કરવાનું પછી છૂટી ગયું પણ સુરત મહાનગરપાલિકાની સતત ચાલતી નાટચસ્પર્ધાથી સારા નાટકો જોવા મળ્યા. નાટક જોઈને જ હવે સંતોષ નહોતો થતો પણ કપિલદેવ શુક્લ, સોનલ વૈદ્ય-કુલકર્ણી, પંકજ પાઠકજી વગેરેના દિગ્દર્શિત નાટકો જોઈને એનું વિશ-લેષણ કરવાનું પણ શરૂ થયું. આ વિશ-લેષણ પ્રક્રિયાથી મને ત્રણ લાભ થયા - નાટક વિશે સંશોધન, નાટ્યલેખન અને નાટ્યદિગ્દર્શન.
* * *
   પણ આ નાટક ભજવાયું રાજુ શુક્લના દિગ્દશન હેઠળ ‘કાલરાત્રિ’ નામે અને હજી સુધી એના બે પ્રયોગો થયા છે એક અમદાવાદમાં અને બીજો ઉદેપુરમાં. એટલે, નૌશિલભાઈ આ નાટક ધરતી ઉપર ભજવાયું છે, હોં !

   ગઝલકાર મિત્ર અનિલ ચાવડાએ જ્યારે આ નાટક વાંચ્યું હતું ત્યારથી એ સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રગટ થાય એ માટે પ્રયત્નશીલ હતા. એમના પ્રયત્નો થકી જ ડિવાઇન પબ્લિકેશન્સના પ્રા. અમૃત ચૌધરીએ મારું નાટક પ્રગટ કરવાની તૈયારી બતાવી અને આજે એ પુસ્તકરૂપે તમારા હાથમાં છે. આ બંને મિત્રોનો આ તકે હું આભાર માનું છું. મારા પ્રત્યેની પ્રીતિને કારણે આ નાટક વિશે પ્રેમપૂર્વક લખી આપવા બદલ આદરણીય સતીશભાઈ પ્રત્યે પણ આભારની લાગણી અનુભવું છું.

   નાટ્યદિગ્દર્શન નિમિત્તે મેં ઘણી બધી આકરી ટીકાઓ હસતે મોંઢે સહન કરી છે. હવે, મારું નાટ્યલેખન તમારા હાથમાં છે અને હું તૈયાર છું તમારા કોઈપણ પ્રકારના પ્રત્યુત્તર માટે...

પ ઓગષ્ટ, ૨૦૦૮
ધ્વનિલ પારેખ
[આ નાટકનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પૂર્વે લેખકની સંમતિ અનિવાર્ય છે. ધ્વનિલ પારેખ ૧૦/૧, સેવક નિવાસ, મ.દે.ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરા, જિ-ગાંધીનગર-૩૮૨૩૨૦ (M)૯૪૨૬૨ ૮૬૨૬૧]


0 comments


Leave comment