2.4 - દૃશ્ય – ૪ / અંક ૧ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(ભીષ્મ શાંત ચિત્તે કશુંક વિચારતા બેઠા છે. પ્રતિહારીનો પ્રવેશ.)
પ્રતિહારી : ગંગાપુત્ર ભીષ્મનો જય હો. દેવી અંબા આપને મળવા ઉત્સુક છે.
ભીષ્મ : અંબા...! મને મળવા ઉત્સુક છે ? (એક પળ કશુંક વિચારીને) દેવી અંબાને આદર સહિત અંદર લઈ આવો. (પ્રતિહારી જાય છે.) શું કારણ હશે મને મળવાનું ? શું અંબા વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા નથી ઈચ્છતી ?

(અંબાનો પ્રવેશ)
અંબા : ના. (ભીષ્મ ચોકે) ગંગાપુત્ર ભીષ્મને અંબાનાં પ્રણામ. હું આપના લઘુબંધુ સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી.
ભીષ્મ : શા માટે અંબા ? ભારતવર્ષના સૌથી વિશાળ રાજ્યના તમે મહારાણી બનશો, હસ્તિનાપુર રાજકુળની પુત્રવધુ બનવાનું સન્માન તમને પ્રાપ્ત થશે, તો પણ...?
અંબા : હસ્તિનાપુરની કીર્તિ એટલી બધી હતી તો મારા પિતાએ સ્વયંવરનું નિમંત્રણ તમને શા માટે ન મોકલ્યું? (ભીષ્મ સમસમી જાય.) તમારા લઘુબંધુનાં પરાક્રમોથી ભારતવર્ષ હવે અજાણ નથી. હસ્તિનાપુરનાં બાળકોને પણ ખબર છે, કે એમના રાજાની પ્રત્યેક રાત્રિ ક્યાં પસાર થાય છે ? તમે તો કોઈ ઉપવનમાંથી વેલ ઉખાડીને લાવતા હોય એમ લઈ આવ્યા અમને. પણ તમારા લઘુબંધુને એ પણ જ્ઞાત છે કે આવતી કાલે એ ત્રણ કન્યાઓનું પાણિગ્રહણ કરવા જઈ રહ્યા છે તે ? છે જ્ઞાત ?
(ભીષ્મ એક પળ મૌન.)

ભીષ્મ : અંબા, લગ્ન પછી વિચિત્રવીર્યની આદતો નહીં રહે.
અંબા : લગ્ન પૂર્વ કે લગ્ન પશ્ચાત પરસ્ત્રી પ્રત્યેનો પુરુષનો મોહ કદી છૂટતો નથી. નહીંતર તો મહારાજ શંતનુએ.....
ભીષ્મ : (ચીસ પાડતા). અંબા...!
અંબા : ગંગાપુત્ર, આમ દરેક વાતમાં આવેશ સારો નહીં. અને હા, આપના લઘુબંધુ સાથે લગ્ન ન કરવા માટે કેવળ આ જ કારણ પર્યાપ્ત નથી.
(ભીષ્મ પ્રશ્નસૂચક દષ્ટિએ અંબા તરફ જુએ.)
હું શાલ્વ નરેશને મનથી વરી ચૂકી છું.
ભીષ્મ : તો હવે તું શું ઈચ્છે છે ?
અંબા : મને શાલ્વ પાસે જવાની અનુમતિ આપો.
ભીષ્મ : પુરુષાર્થના આવેશમાં તમારી મનોકામના જાણ્યા વિના તમે - ત્રણ બહેનોનું અપહરણ તો કર્યું પણ ભીષ્મ એટલો કઠોર નથી કે કોઈની પ્રિયતમાનું બળપૂર્વક પોતાના લઘુબંધુ સાથે લગ્ન કરે. અંબા, તું ખુશીથી શાલ્વ પાસે જઈ શકે છે.
(અંબાના ચહેરા પર એકદમ પ્રસન્નતા.)
અંબા : પ્રણામ, ગંગાપુત્ર.
ભીષ્મ : તારું સદા કલ્યાણ થાવ.

(અંબા મંચના એક ખૂણેથી બીજા ખૂણા તરફ આવે. ત્યાં પ્રકાશ થાય અને શાલ્વ દૃશ્યમાન. ભીષ્મ અંબાને જતી હોય ત્યારે જોયા કરે. અંબા શાલ્વ પાસે પહોંચે કે ભીષ્મ હોય ત્યાં અંધકાર.)
અંબા : મારા પ્રિય, હું આવી ગઈ તમારી પાસે, હસ્તિનાપુરથી મુક્ત થઈને.
શાલ્વ : ભીષ્મે તને આવવા દીધી ?
અંબા : હા, ગંગાપુત્રએ જ મને અનુમતિ આપી કે...
શાલ્વ : જા, તારા પ્રિયતમ, શાલ્વ પાસે
અંબા : હા, પ્રિયતમ
શાલ્વ : (ક્રોધથી) ભીષ્મ !
અંબા : એમાં આટલો ક્રોધ શા માટે ?
શાલ્વ : ભીષ્મ ! તેં મારું અપમાન કર્યું છે.
અંબા : અપમાન ? અને મારા પ્રિયતમનું ?

શાલ્વ : હા અંબા, ભીષ્મ પોતે અપહરણ કરેલી સ્ત્રીને મારી પાસે મોકલી છે. અને એ મારું અપમાન છે.
અંબા : તમને આપણાં મિલનનો આનંદ નથી દેખાતો પણ મારા આગમનમાં તમને તમારું અપમાન દેખાય છે ? અપમાન કેવળ પુરુષને જ હોય શાલ્વ ? જે સ્ત્રીનું અપહરણ કરવામાં આવ્યું. એમાં એનું અપમાન ખરું કે નહીં ? આપણો સંબંધ તો અપહરણ થાય એ પહેલાનો હતો શાલ્વ ? હું તમને મનથી વરી ચૂકી છું એ વાત મેં પિતાશ્રીને પણ જણાવી હતી અને એટલે જ એમણે વિશેષ નિમંત્રણ તમને મોકલ્યું હતું.
શાલ્વ : પણ અંબા હવે તું અપહરણ કરાયેલી સ્ત્રી છે એટલે...
અંબા : એટલે....?
શાલ્વ : હું તારો સ્વીકાર કરી શકું એમ નથી. તું મારા સંબંધમાંથી મુક્ત છે.
(શાલ્વ તીવ્ર ગતિએ જાય છે.)

અંબા : પણ આપણો સંબંધ તો અપહરણ પૂર્વેથી છે. શાલ્વ, સાંભળો તો ખરા, હું કેવળ તમારે માટે અહીં સુધી આવી છું અને હવે તમે જ મને નકારો છો ? હવે, હું જાઉં તો ક્યાં જાઉં ? ભીષ્મ ! આ બધું કેવળ ભીષ્મને કારણે થયું છે. હવે, ભીષ્મે મારો સ્વીકાર કરવો રહ્યો.
(મંચના બીજા ભાગે પ્રકાશ. ભીષ્મ દૃશ્યમાન. અંબા એ તરફ જાય. પ્રકાશ એટલા ભાગ પૂરતો સીમિત.)
ભીષ્મ : શાલ્વે તને નકારી એમાં હસ્તિનાપુર શું કરી શકે, અંબા ?
અંબા : શાલ્વના નકારનું કારણ હસ્તિનાપુર છે. ના, શાલ્વના નકારનું કારણ હસ્તિનાપુર નથી. પણ...
ભીષ્મ : પણ...?
અંબા : તમે છો ગંગાપુત્ર !
શાલ્વ : શાલ્વ પાસે તું તારી અભિલાષાથી ગઈ હતી, અંબા.
અંબા : મારું અપહરણ તો તમે અનિચ્છાએ કર્યું હતું, ગંગાપુત્ર !
ભીષ્મ : તને મુક્ત પણ મેં જ કરી છે, અંબા.
અંબા : હું તમારી અપહરણ અને મુક્તિનાં ચોપાટની સોગઠી નથી. શાલ્વે મને નકારી છે તો હસ્તિનાપુર સ્વીકારે.

ભીષ્મ :
મારી અપહરણ કરાયેલી સ્ત્રી - તને શાલ્લે સ્વીકારી ? શાલ્વ જેને નકારે એને હસ્તિનાપુર સ્વીકારે, એ અસંભવ છે. તારી બહેનો-અંબિકા, અંબાલિકાનાં મહારાજ વિચિત્રવીર્ય સાથે લગ્ન થઈ ગયાં છે.
અંબા : હું મહારાજ વિચિત્રવીર્ય સાથે લગ્નની અભિલાષી નથી.
ભીષ્મ : તો...?
અંબા : ભીષ્મ, તમે મારો સ્વીકાર કરો.
ભીષ્મ : મારી આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાથી સમગ્ર બ્રહ્માંડ પરિચિત છે.
અંબા : સ્વયંવરમાંથી અપહરણ કરતી વખતે એ પ્રતિજ્ઞા ક્યાં ગઈ હતી ?
ભીષ્મ : સ્વયંવરમાં હું મહારાજ વિચિત્રવીર્યના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હતો, નહીં કે મારે માટે.
અંબા : પણ અપહરણનું આળ તો તમારે શિરે જ આવ્યું ને, ગંગાપુત્ર ? આમ કોઈના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવા માત્રથી વાત પૂરી નથી થતી. સ્વયંવર સભામાંથી અમને ત્રણે બહેનોને હાથ પકડીને રથમાં તમે ચડાવી હતી, નહીં કે મહારાજ વિચિત્રવીર્યએ ? તો પછી એ હાથ સ્વીકારવામાં આટલો બધો ખચકાટ કેમ ?

ભીષ્મ :
અંબા, હું પ્રતિજ્ઞાબદ્ધ છું.
અંબા : તમારે એ પ્રતિજ્ઞામાંથી મુક્ત થવું પડશે. પ્રતિજ્ઞા તોડવી પડશે.
ભીષ્મ : અંબા...! તું સ્ત્રી છે એટલે... ભીષ્મને એની પ્રતિજ્ઞા તોડવાનું કહેનાર બીજી ક્ષણે જીવિત ન હોત !
અંબા : તમે મારો સ્વીકાર નહીં કરો તો હું ક્યાં જઈશ, એનો વિચાર કર્યો છે ?
ભીષ્મ : શાલ્વ પાસે જતાં પહેલાં એ બધો વિચાર તારે કરવો જોઈતો હતો, અંબા ! તું ફરી તારા પિતા પાસે કાશીનગરી જઈ શકે છે. ત્યાંનાં દ્વાર તો તારે માટે સદા ખુલ્લાં જ હશે.
અંબા : અવશ્ય ખુલ્લાં હશે. પિતાશ્રી મારો સ્વીકાર પણ કરશે. પછી દરરોજ મારા અપહરણ સંદર્ભની દંતકથાઓ પ્રતિદિન એમના કાને અથડાતી રહેશે. પ્રત્યેક દંતકથા પિતાશ્રી માટે વેદના લઈને આવશે. પિતાશ્રીની વેદનાનું નિમિત્ત હું બનવા માગતી નથી.

ભીષ્મ :
અંબા, એ સિવાય બીજો વિકલ્પ પણ નથી.
અંબા : છે, ગંગાપુત્ર છે !
ભીષ્મ : તારો સ્વીકાર કદાપિ સંભવ નથી.
અંબા : હવે તો એય વિકલ્પ પણ ક્યાં રહ્યો છે ? માનો કે, આજે તમે તમારી પ્રતિજ્ઞામાંથી મુક્ત થઈને મારો સ્વીકાર કરી પણ લો, પણ એ સ્વીકારમાં મારા પ્રત્યે સ્નેહ નહીં પણ કેવળ દયા હશે. અને ભીષ્મ, તિરસ્કૃત થયેલી અંબાનો સ્વીકાર કરીને પોતાની કીર્તિપતાકા સમગ્ર સંસારમાં લહેરાવશે, નહીં ?
ભીષ્મ : તો તું શું કરવા ઇચ્છે છે ?
અંબા : અગ્નિપ્રવેશ !
ભીષ્મ : અંબા...!
અંબા : એ એક જ વિકલ્પ રહ્યો છે. પણ અગ્નિપ્રવેશ પૂર્વે આ અંબા બ્રહ્માંડની સાક્ષીએ પ્રતિજ્ઞા કરે છે, કે જેમ મારા મૃત્યુનું નિમિત્ત તમે બન્યા છો તેમ તમારા મૃત્યુનું નિમિત્ત હું બનીશ. હા ભીષ્મ, હું બનીશ. તમારા મૃત્યુનું નિમિત્ત.
(અંબા જાય છે. ભીષ્મ અટકાવવાનો પ્રયત્ન કરે પણ વ્યર્થ.)

ભીષ્મ : એક પ્રતિજ્ઞામાંથી જન્મેલી આ બીજી પ્રતિજ્ઞા હસ્તિનાપુરની સમક્ષ કયા અંધકારને લઈને આવશે, તે નથી જાણતો, નથી જાણતો, નથી જાણતો. માતા, આ તારો પુત્ર એકાકી થઈ ગયો છે, સાવ એકાકી.
(નેપથ્યમાંથી ગંગાનો અવાજ)
ગંગા : જે દિવસે તે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી હતી, તે દિવસથી જ તું એકાકી હતો, તે જાતે જ તારો આ માર્ગ નિર્ધારિત કર્યો છે.
ભીષ્મ : હા, માતા, મેં જ નિર્ધારિત કર્યો છે અને મારે જ ચાલવાનું છે, એ પણ એકાકી. હું ચાલીશ માતા, અવશ્ય ચાલીશ. મારા માર્ગમાંથી મને કોઈ ચલિત નહીં કરી શકે, કોઈ નહીં....
(અંધકાર.)


0 comments


Leave comment