8 - મેં મને સાંભળી / રમેશ પારેખ


મેં મને વાતો કીધાની મને સાંભળી

પથ્થરના દરિયામાં આવ્યો હિલ્લોળ
એની છાલકથી ભીની પગથાર
પછડાતાં મોજાંની વચ્ચે વેરાઈ ગયો
ફીણ બની વેળાનો ભાર

કલબલતાં નેવાંને અજવાળે જોયું તો
કલબલતાં નેવાંને અજવાળે જોયું તો પાણી કરતાં ય ભીંત પાતળી
મેં મને વાતો કીધાની મને સાંભળી

પગલું ભરું તો પણે ઊભેલા પ્હાડને
ઝરણાની જેમ ફૂટે ઢાળ
સુક્કાં યે ઝાડવાને સ્પર્શું તો
ઊઘડતાં જાસૂદનાં ફૂલ ડાળ ડાળ


પાણીને ઘોળું તો કંકુ થઈ જાય
પાણીને ઘોળું તો કંકુ થઈ જાય એવી રાતીચટ્ટાક મારી આંગળી
મેં મને વાતો કીધાની મને સાંભળી.


0 comments


Leave comment