55 - સૂર્યવંશી આથમ્યા જેવું ગયા… / રમેશ પારેખ


સૂર્યવંશી આથમ્યા જેવું ગયા
ને સતી જેવા બધાં દ્રશ્યો થયાં

આંખ દીવો રાત ઘર ને ઊંબરો
એક સાથે એક થઈ પાછાં નડ્યાં

શબ્દનાં અંધાર મારા કંઠને
સૂર્ય પીવાની તરસમાં સાંભર્યા

લોહી તોડી અક્ષરો આપ્યા મને
તે બધાં તો ટેરવે થીજી પડ્યાં

હું તરાપો લઈ હવે ક્યાં જાઉં છું
હાથ તો પથ્થર વિષે ડૂબી ગયા

સાવ ખાલી હાથ પગ વિચારમાં
કાંઈ પણ કારણ ન ઊગ્યું જીવવા

કલ્પના સુધી જ બુદ્ધિ વિસ્તરી
કારણોની પાર કાળાં રણ મળ્યાં

હે કવિતા, ક્યાં પરોવીશું તને
શબ્દનાં મોતી ફટકિયાં નીકળ્યાં.


0 comments


Leave comment