2.2 - પંખી નિમિત્તે સમજણ પ્રેરતું લોકગીત / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની
પંખીની વિધ-વિધ ચેષ્ટાઓનું નિરૂપણ તો જ શક્ય બને જો એનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું હોય. લોકસમાજનો બહુ મોટો ભાગ કૃષિવ્યવસાય સાથે જોડાયેલો હોય. સીમમાં અને ખેતરમાં રોજ-બ-રોજ એની નજર સામે આખું પંખીલોક આવતું હોય. સ્મૃતિમાં, ચિત્તમાં જકડાઈ જતું આ પંખીજગત પછી અભિવ્યક્તિમાં પણ વિશેષણ, ઉપમા કે રૂપક તરીકે સ્થાન પામે એ સ્વાભાવિક છે. લોકગીતોમાં સૌથી વધુ સ્થાન પામ્યા હોય તો વૃક્ષો અને પંખીઓ. એનું એક કારણ આ પ્રકારનું પંખીજગત સાથેનું ભારે નિકટનું સાન્નિધ્ય.
પંખીઓમાં હોલું એક વિશિષ્ટ પક્ષી છે. હોલા રાણા તરીકે ઓળખાતું અને સુકા ભઠ્ઠ ઝાડ ઉપર ટોચને સ્થાને પોતાનો તરફકડો-માળો રચીને આનંદથી ઘુઘવાટા કરતું કંઈક અંશે અંતર્મુખી પક્ષી હોલો છે. એનું આવું નિરાળું વ્યક્તિત્વ યુવાન વય પ્રાપ્ત કરી રહેલી, સ્વપ્નીલ કન્યાના ચિત્તમાં વસી જાય છે અને મનોમન જીવનસાથી તરીકેના આદર્શોનું સ્થાન હોલોરાણો લે છે.
વ્યક્તિ જે કંઈ નિર્ણય બાંધે છે, જે કંઈ અપેક્ષાઓ રાખે છે એ પ્રમાણે તો બધું થતું હોતું નથી. એ ઈચ્છે છે કંઈક અને બને છે કશુંક જુદું જ. નિયતિના પ્રાબલ્યથી પરિસ્થિતિ બદલાય છે અને પોતાની ધારણા અનોખી રીતે વળાંક લે છે. આવી પરિસ્થિતિમાં એ ભાંગી પડવાને બદલે, તૂટી જવાને બદલે, નકારાત્મક કે સિનિક બનવાને બદલે નિયતિનું પ્રાબલ્ય-આધિપત્ય સ્વીકારીને પોતાની જાતને સંભાળી લે છે. વેદનાશીલ પરિસ્થિતિમાંથી કે અભાવની અનુભૂતિમાંથી સર્જાય છે હૃદયસ્પર્શી લોકગીતો.
આ શેઢેથી કાઢું તો, ઓલે શેઢેથી બોલે,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૧ડોકું ડોલાવે ને, પટ પટ બોલે,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૨સગાઇ કરો તો મને, હોલીડાને દેજો,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૩સગાઇ કરીને, મને, હોલીડાને દીધી,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૪લગન લીધાં રાતે, ને પરોઢિયે પરણાવી,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૫પાણી જેવડાં પગ, પીટ્યો પટ પાટુ મારે,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૬ડુંગળી જેવડાં ડોળા, પીટ્યો ડબ ડબ કાઢે,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૭નાનું એવું નાક પીટ્યો, સેઇડ સેઇડ તાણે,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૮ફળિયા જેવડી ફાંદ, પીટ્યો ફદ ફદ ફેરવે,હોલાની બોલી મને, મીઠી-મીઠી લાગે... ૯
કૃષિકન્યાની નજર સામે કંઈ ખેતરમાં મેના, પોપટ ન હોય. પર્વતમાળાની કોતરોમાં, સૂકા ભઠ્ઠ વિસ્તારમાં એની નજર સામે તો પડે હોલાં, ચકલાં ને કાબર જેવા ઉષરભૂમાં ભટકતા પંખીઓ. ખેતરમાં સતત ઉડાઉડ કરતુ, અનેક વખત ગોફણથી, પત્થરથી ભગાડો, અવાજ કરીને નસાડો તો પણ પાછું બીજે સ્થાને ખડું થાય, હાજર થાય એ પંખી હોલો. એનો ઓછો-ઝીણો અનવરત ચાલતો ઘૂઘવાટો ઘૂ ઘૂ ઘૂ –ઘૂ ઘૂ ઘૂ, ઘૂ ઘૂ ઘૂ એકલતાને ભરી દેતો અને સ્નેહનો માહોલ રચતો ધ્વનિ. ખૂબ વ્હાલો લાગે મીઠો લાગે એ સ્વાભાવિક છે. બોલટી વખતની એની ચેષ્ટાઓ પણ મનને હરી લે એવી હોય છે. કૃષિકન્યાના ચિત્તમાં હોલા જેવા વેણ દ્વારા મીઠપ વરસાવતા સાથી તરફ પસંદગી ઢળે છે. સગાઇ થાય છે, લગ્ન લેવાય છે અને સાંપડે છે હોલા જેવા વ્યક્તિત્વવાળો પસંગ કરેલો જીવનસાથી.
ગીતમાં કંઈ ઈચ્છ્યું, તે જ મળ્યું અને પછી પૂર્ણાહૂતિ ન હોય. એમાં તો જીવનની ખરી વાસ્તવિકતાનું આલેખન કઠોર પરિસ્થિતિનું નિરૂપણ અવશ્ય દૃષ્ટિગોચર થતું હોય છે. અહીં પણ પાટવા મારતો, ડોળા કાઢતો, નાક સરડાવતો અને અદોદળા પેટવાળો હોલો ઉત્તરાર્ધમાં નિરૂપાયો છે. છતાં એ વ્હાલો લાગે છે, મીઠો લાગે છે. એ ધ્રુવપંક્તિ સાભિપ્રાય છે.
શિબિરાજાએ જેના રક્ષણ માટે પોતાનો પ્રાણ શિકારીને આપી દીધો હતો, એવો વહાલપના ઘૂઘવાટાના વેણ વરસાવતો હોલા જેવો ભરથાર પ્રાપ્ત કરીને પણ કઠોર વાસ્તવિકતાને જીરવીને જીવતી નારીનું કરુણ ડૂસકું અહીં કેન્દ્રસ્થાને છે. માત્ર જીવતી નહીં ગાતી-ફરતી અને પરિસ્થિતિને વહાલપથી સ્વીકારી લેતી નારી અહીંથી પ્રગટે છે. જીવનની ખુમારી અવગણનાથી-અવહેલનાથી દુઃખી થઈને રડવામાં-કૂટવામાં નથી, પણ એ પરિસ્થિતિને સ્વીકારી લઈને, જીરવી જઈને જીવવામાં રહેલી છે. આવો ભાવ પ્રગટાવતી આ લોકગીત રચના એક પ્રકારની ભારે મોટી સમજણ-જીવનદર્શન પ્રગટ કરી જાય છે.
જેને સમર્પિત થયા હોઈએ એનાથી પ્રાપ્ત થતી અવહેલનાની અનુભૂતિની આ રચના, એમાંના આવા લોકમાં વ્યાપ્ત સમજણ-ડહાપણ અહીં હૃદયસ્પર્શી અભિવ્યક્તિ પામ્યા છે. આવી અભિવ્યક્તિ છટા અને વિષયસામગ્રીમાંથી પ્રગટતા મર્મપૂર્ણ અને વેદનાશીલ સંવેદનને કારણે ચિરંજીવપણાને પામે છે. આપણી પરંપરામાં જીવંત રહે છે, એટલું જ નહીં પરંપરાને પણ સમૃદ્ધ કરે છે.
(ક્રમશ:...)
0 comments
Leave comment