87 - અસ્ફૂટ સ્વરમાં અમથું હું ઉચ્ચરું કશું તો એને સહુ વિધિનું પ્રાચીન વિધાન સમજે / હરીશ મીનાશ્રુ


અસ્ફૂટ સ્વરમાં અમથું હું ઉચ્ચરું કશું તો એને સહુ વિધિનું પ્રાચીન વિધાન સમજે
વહેતા પવનના પટ પર એકાદ શબ્દ આંકું સૃષ્ટિ જ સદ્ય એને નિજ સંવિધાન સમજે

ઝાકળનું એક ટીપું ઝમઝમનો રોફ મારે, કંકર આ શ્યામ ખુદને કાબાને વાન સમજે
તાજી ખીલેલી કેસર આંબાની મંજરીને આ કીર ને કબૂતર કલબલ કુરાન સમજે

નીરખી રહું ગગનમાં તો કોણ કહે ‘નીરખ ને’, ઘૂમું તો કોણ કોને કહેતું ‘ઘૂમી રહ્યું કો ’
હું તો ચકળવકળ બે નયનો વડે નિહાળું, પાંપણ જરાક ઢાળું, એ નિજનું ધ્યાન સમજે

દૂરતાને પ્રસારીને દૂરતાને વિસારીને, ખીલ્યો છે ચન્દ્ર કેવો સૌની અગાસી ઉપર
કોઈક તો હશે ને જે ચાંદનીને બ્હાને અગણિત પ્રકાશવર્ષોનું સંનિધાન સમજે

એ શુક્રતારિકાને મારગ કદી ન પૂછે, શોધે કદી ન મોઘમ ફૂલોનાં ઇશારાને
ભૂલું પડેલું મારી ભીતરનું એક પંખી નિજ ઘરના કુલાહલને નિજનું નિશાન સમજે

જેને ખબર છે કેવી ઝીણી હશે કયામત : મુરશિદનું ઘર તો ઝીણું ને ઝીણી અસ્ક્યામત
તો યે તે શાને મુલ્લા મસ્જિદ બુલંદ બાંધે, કીડી ય નિજના દરને કાં આલિશાન સમજે

આંસુના ઉજાસે હું કેવળ દરદને સમજું, હે વૈદ, ધર્મ મારો, ઊંહકાર ભરું, ત્રફડું
પીડાને સમજનારાને ક્યાં પડી છે એની, નાડી ય તું જ સમજે ને તું નિદાન સમજે

ઈશ્વર હવે દિવંગત (પૂર્વે ય શું હતો એ ?), આ શ્રાદ્ધની ઘડીએ શ્રદ્ધા (કે અશ્રદ્ધા)થી
મારી ગઝલના જ્યોતિર્પિંડો રચીને રમતા મૂકું છું અંતરીક્ષે, સૌ પિંડદાન સમજે


0 comments


Leave comment