88 - અસમંજસની ક્ષણમાં પેસી ગબડ્યા કરશે / હરીશ મીનાશ્રુ


અસમંજસની ક્ષણમાં પેસી ગબડ્યા કરશે
આ વાસણ કૂસણમાં પેસી ખખડ્યા કરશે

બટકબોબડા ઘુઘરા જીભે બાંધી પંડિત
પોથીના રીંગણમાં પેસી બબડ્યા કરશે

મૃગજળ-ધોઈ જાત સૂકવવા ખુલ્લે ડિલે
પડછાયા પહેરણમાં પેસી લબડ્યા કરશે

કિચૂડ કિચૂડ ચાવી જૈ ઘરને, બેય કમાડો
સોંસરવા સગપણમાં પેસી સબડ્યા કરશે

મનનાં સઘળાં પુરાતત્ત્વ તે અંધ ગોખલે
ઈશ્વરના ઘડપણમાં પેસી ઝઘડ્યા કરશે

એક થકી બહુરૂપ બની વિહ્‌વળ અજવાળું
અહીં અઢાર વરણમાં પેસી દદડ્યા કરશે

નથી કવચ કે કુંડળ : આ ઘાયલ પરપોટા
પળના સમરાંગણમાં પેસી ત્રફડ્યા કરશે


0 comments


Leave comment