89 - જો હું પલાંઠી વાળું, વાળે અદબ અરીસા / હરીશ મીનાશ્રુ


જો હું પલાંઠી વાળું, વાળે અદબ અરીસા
ધારે છે અવળવાણીની કેવી ઢબ અરીસા

છે અજનબી છતાં યે લાગે અજબ અરીસા
ઘટમાં ય ગાજે કેવું ગહેરું ગજબ અરીસા

કેવા છે આપખુદ કે મારું વજૂદ ભૂંસી
વર્ત્યા કરે છે કાયમ મરજી મુજબ અરીસા

સૌસૌની સામે હરપળ કોણે ધરી દીધા છે
સૌસૌના સાવ ઉધ્ધત ને બેઅદબ અરીસા

મારા જ હાથમાંથી છટકી, ગયો હું ફૂટી
કેવળ હું એક : વેરણછેરણ અરબ અરીસા

ઊભા છે મારી સન્મુખ કૈં કેટલા યુગોથી
કોના ય તે ચ્હેરાની લૈને તલબ અરીસા

મરૂથળની રેતમાંથી કાયા ઘડી છે એથી
મૃગજળની માંડી બેઠા કેવી પરબ અરીસા

પલટાઈ જશે પોતે બસ કાચની કબરમાં
આખર પળે અજાયબ કરશે કસબ અરીસા

ચ્હેરો જ નથી મળતો, નિજનામ ક્યાંથી મળશે ?
મક્તામાં ભૂંસી નાખું છું એ સબબ અરીસા


0 comments


Leave comment