43 - ભર બપ્પોરે માવઠું મૂશળધાર આવીને…. / રમેશ પારેખ


ભર બપ્પોરે કાંઈ અચાનક માવઠું મૂશળધાર આવીને
તડકાછાંયા ભીંજવી ગયું

ઊંબરે વાછંટ આવતાં રેલા થઈને ચાલી રજ
ને નેવાં ક્યાંય સુધી કલબલતાં રહ્યાં
નળિયામાંથી જળની સાથે આભ ચૂયું તે
ઓરડે મારે કેટલા સૂરજ તરતા રહ્યાં

તડકાથી તરબોળ ભીનીછમ વાસની પવનપાતળી જાજમ
ફળિયે મારે પાથરી ગયું
ભર બપ્પોરે કાંઈ અચાનક માવઠું મૂશળધાર આવીને
તડકાછાંયા ભીંજવી ગયું

વરસી મારી આંખ એની સોનહિમાળુ ઝાંય
ને સામે બળતાં ખાલી ખેતરાં ઠર્યા
લીંબડો સૂકો ખખડે તો યે ઘરને મોભે આટલા બધાં
કેમ લીલાંછમ પાંદડાં ખર્યા

અંખ મળીને ઊઘડી ત્યાં તો વાદળામાં ઘનઘોર ગ્હેકીને
વન આખ્ખુંયે વરસી ગયું
ભર બપ્પોરે કાંઈ અચાનક માવઠું મૂશળધાર આવીને
તડકાછાંયા ભીંજવી ગયું.


0 comments


Leave comment