90 - દર્પણ દિયે દિલાસો રે / હરીશ મીનાશ્રુ


દર્પણ દિયે દિલાસો રે
મોઢું શીદ વકાસો રે

ફૂલ પર તિતલી, સગપણ પર
બેઠો એક નિસાસો રે

ક્ષણ તો ક્ષણ છે : એનો કૈં
હોતો હશે ખુલાસો રે

જૂગટું રમતાં લોચનિયાં
પરપોટાનો પાસો રે

એક લાગણી બાંધી ગૈ
જાસુદ જેવો જાસો રે

સર્પ અને રજ્જુ સરખાં
ફૂત્કારે છે, નાસો રે

ફરી પગરખે પાંખ ફૂટી
પેલે પાર પ્રવાસો રે

સતત શૂન્યનો ભોગ કરું
કરું નિત્ય ઉપવાસો રે

અહો ! ઝળહળે ગઝલ બની
ભાષામય આભાસો રે


0 comments


Leave comment