91.1 - મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ / હરીશ મીનાશ્રુ


ઊઠતી બજારે હાટ, હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ, હવે કેટલો વખત ?
(મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’)
= = = = = = = = = =
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જૈ ચડ્યા
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝાર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત

છે ખિન્ન સૂત્રધાર ને આંગળીઓ છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

પંખી શીખી ગયું જો ઈંડામાં ઉડ્ડયન
આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત

પિંજર, ખૂલી જા : ભાષા, તું મ્હાલ મોકળે
શુકપાઠ કડકડાટ હવે કેટલો વખત


0 comments


Leave comment