91.5 - અમૃત ‘ઘાયલ’ / હરીશ મીનાશ્રુ


તને પીતાં નથી આવડતો મૂર્ખ મન મારા !
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી ?
(અમૃત ‘ઘાયલ’)
= = = = = = = = = =
ખરું પૂછો તો ફરિશ્તા જ કામિયાબ નથી
શેખ સમજે છે એટલો ય હું ખરાબ નથી

બતાવ ચ્હેરો મને એક જે નકાબ નથી
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી

ન લડખડે છે કદી,-તો ય કોની મગદૂર છે
કહે જે : આયનામાં રિન્દનો રૂઆબ નથી

બધી જ વસ્તુ તમે વાંચી શકો છો મનથી
છતાં ય આળ મૂકો છો કે એ કિતાબ નથી

સતત આવ્યા કરે છે હેડકી આ હોવાની
હરખ ને શોકનો આ ચોપડે હિસાબ નથી

ટૂંટિયું વાળીને સૂતો છું કલ્પવૃક્ષ તળે
છે માત્ર જાગરણ, ખયાલ નથી, ખ્વાબ નથી

જીગરની આગ જીરવીને થયો છું માણસ
ખુદાએ ખુશ થઈ આપેલ એ ખિતાબ નથી

છે સૌની ધારણા : એ હાજરાહુજૂર બધે
જશો જો શોધવા તો ક્યાંય એ જનાબ નથી

આ જગત,- જાણે અતિપ્રશ્ન કોઈ ઈશ્વરનો
કે ગળે ઉતરે એવો કોઈ જવાબ નથી

અમે ય જાણીએ ઘાયલની ગતિ ઘાયલ થૈ
રખે સમજતા તમે રક્ત આ ગુલાબ નથી


0 comments


Leave comment