91.6 - ગની દહીંવાળા / હરીશ મીનાશ્રુ


‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા ! ખાસ
ઘણીવાર આ જજર્રિત જગમાં રહીને ઘણી જન્નતોની સફર થૈ ગઈ છે
(ગની દહીંવાળા)
= = = = = = = = = =
ગગનની ઘટા દેવહુમાની પાંખો અડકતાંની સાથે ઉષર થૈ ગઈ છે
જ્યાં જ્યાં પડી છે એ પંખીની પરછાંઈ ત્યાં ત્યાં લીલીછમ કબર થૈ ગઈ છે

હતી શ્વેત કિલકાર ભાષા અમારી, ફરી ભસ્મ સરખી ભૂખર થૈ ગઈ છે
ફરીથી અમારી હયાતી હવામાં સળગતાં પીછાંનો પ્રહર થૈ ગઈ છે

સતત ચૂંટતો રહું, સતત ચાખતો રહું, અસત નીકળે છે ક્ષણો સર્વ ખાટી,
જીવન સાખ પૂરશે કે જાણ્યેઅજાણ્યે જ શબરીની માફક સબર થૈ ગઈ છે

હજી સૂર્યનો અર્થ પૂછું ન પૂછું અને ત્યાં જ ઝાકળ ઊડી જાય નભમાં
તમારી જ બલિહારી મુરશિદ કે સંગતની કેવી નઠારી અસર થૈ ગઈ છે

ગજબની અમે સ્થિરતા સાધી લીધી સુરાલયના ઝીણા અમલના પ્રતાપે
મદિરાના મનમાં અજંપો કે નક્કી અમારાથી કોઈ કસર થૈ ગઈ છે

કદી આંખમાં સંઘર્યો એક શ્રાવણ, ખરે ટાણે લો કામ આવી ગયો છે
અચાનક અમારી અવાચક નજર કાં મયુરોની માફક મુખર થૈ ગઈ છે

અહલ્યા ને કુબ્જાની પ્રાચીન કથાનું રચાયું અહીં રમ્ય સંધાન કેવું ?
તમે સ્હેજ સ્પર્શ્યાં કે મારી ચદરિયા જુઓ કીમતી જામેવર થૈ ગઈ છે

ઘણીવાર જન્નતથી છટકી ખુદા પણ આ જજર્ર અરીસામાં આવી ચઢ્યો છે
ઘણીવાર આ જજર્રિત જગમાં રહીને ઘણી જન્નતોની સફર થૈ ગઈ છે

ક્ષમા કરજો, જેને તમે સૌ ખુશીથી ગઝલ નામ પાડી નવાજી રહ્યા છો
સરાસર પીડા છે,-જે નાભિ કનેથી અમે ઓચરી તો અફર થૈ ગઈ છે

અહીં નામ રોપ્યાનો શો અર્થ કે આ જરામય અને જીર્ણ મક્તાની ક્ષણ છે
મૃત્યુની સાથે મુલાકાત મારી અહીં અબઘડી મુકરર થૈ ગઈ છે


0 comments


Leave comment