91.8 - મનહર મોદી ૨ / હરીશ મીનાશ્રુ


ગુજર્રી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના
લો લખી લો માલમિલકત આપણા અગિયાર દરિયા
(મનહર મોદી)
= = = = = = = = = =
આપના ખાલી ગિલાસે હું ભરું ચિક્કાર દરિયા
લો લખી લો માલમિલકત આપણા અગિયાર દરિયા

સાવ કોરી આંખને પણ ગંધ ના આવી લગીરે
તેં કરી નાખ્યા વગે પાંપણથી બારોબાર દરિયા

આ હૃદયમાં ઠાલવીને નિજના વડવાનલ બધાયે
રાત ને દ્‌હાડો ચલાવે ધીકતો કારોબાર દરિયા

એ તને એવી સિફતથી કેદ કરશે છીપ વચ્ચે
કે કદી ના આવવા દેશે જરી અણસાર દરિયા

ટપ દઈ ટપકે મળસ્કે ઓસનું ટીપું બનીને
ને કરી દે ફૂલનું યે જીવવું દુશ્વાર દરિયા

મેં નથી દીઠી નદી અળગી ને એકાકી કદાપિ
વળગીને વ્હેતા રહે છે એની હારોહાર દરિયા

એ ક્ષણે એકાદ ઈશ્વરનો થયો મત્સ્યાવતાર
પંખીએ માગી લીધા વાદળની ભારોભાર દરિયા

આ ગઝલનાં સ્પર્શથી એ ઈચ્છાધારી થૈ ગયો છે
અવનવા કેવા ધરે છે હર પળે આકાર દરિયા


0 comments


Leave comment