91.9 - મકરંદ દવે / હરીશ મીનાશ્રુ


ભયની કાયાને ભૂજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા રે અનભે રંગમાં
ફૂટી એને રૂંવે રૂંવે આંખ
જાગીને જોઉં તો કોઈ નથી એકલું
(મકરંદ દવે)
= = = = = = = = = =
ભુજા નથી ભયની કાયાને, સંશયને વળી પાંખ નથી
ઈર્ષાથી તે અધિક આંધળી ધિક્‌ ધિક્‌ એકે આંખ નથી

હરિતવર્ણને તપવું - તાવું, કેસરવર્ણ રહસ્ય જડે
અનિષ્ટને રસમિષ્ટ કરે નહિ, તો એ કૈં વૈશાખ નથી

સ્હેજ ચાખતાંવેંત મત્ત થૈ ચરણ અગર લડખડે નહીં
રિન્દ, સમજ કે પીડાની એ ક્ષણનું નામ દરાખ નથી

અગન સરીખો શબ્દ હતો તે ઊડી ગયો ભડકો થૈને
હવે નથી અણસાર પંખીનો કે ચપટી યે રાખ નથી

સૂણી વિસારે પાડે છે સૌ : અમે કથી તે કથનીમાં
નથી આબરૂ અભંગની કે સાખીની એ સાખ નથી

નૂર નથી એ દૃષ્ટિમાં ને એ સૃષ્ટિમાં હીર નથી
ટળવળતી નજરો પર વળતી જ્યાં આંસુની ઝાંખ નથી


0 comments


Leave comment