91.10 - મૌલાના જલાલુદ્દીન રૂમી / હરીશ મીનાશ્રુ


આ ગીતોને સાચવી લેવાની
ફિકર છોડ !
જો આપણું એકાદું વાદ્ય ખંડિત થઈ જશે
તો ય કશો ફરક નહીં પડે
કેમ કે આપણે હવે
આવી પહોંચ્યાં છીએ એ સ્થળે
જ્યાં બધું જ સંગીત છે.
(મૌલાના જલાલુદ્દીન રૂમી)
= = = = = = = = = =
નવી નમાજે ખુદા ય નવતર, નવા ખુદાએ પીડા નવી છે
નવી પીડાએ નવાઈ પામી કર્યો સ્પર્શ ત્યાં નવો કવિ છે

સતત નીરખતાં રહી વિસ્મયો અમે નવી દૃષ્ટિ કેળવી છે
અવાક રહીને નવીન ભાષા અમે ઘડી નિત્ય અવનવી છે

નવા વિહગના કલધ્વનિથી કલી મટીને ગુલાબ થૈ ગૈ
પ્રભાતિયાના રવાનુકારે ખીલે ખગોલે નવો રવિ છે

નવાં નયનમાં નવાં જ આંસુ ઝરીને ઝાકળ બની જવાનાં
અજાણ પુષ્પે જનમજનમની પિછાણ ઝૂલે નવીસવી છે

નવી નવેલી વધૂ કનેથી જડે ગઝલને નવો જ નુસખો
નવા મલાજે બધી ઘુઘરીઓ ફરી મૌનથી સજાવવી છે

નવી ફિકર ને ફકીરી નૌતમ, કરું નવેસર જિકર જરી ત્યાં
જીગર વીંધીને ઝૂમી દમાદમ રૂમી રચે મૌજ-મસનવી છે

કિયો હશે આ પ્રદેશ નૂતન સ્વરોથી હૈયું ભરાઈ આવ્યું
પળે પળે જ્યાં નવીન પીલુ ક્ષણે ક્ષણે નવ્ય ભૈરવી છે


0 comments


Leave comment