53 - કશો યે અર્થ નીકળતો નથી… / રમેશ પારેખ


આયનામાંથી કશો યે અર્થ નીકળતો નથી
ને પ્રતિબિંબે પૂછેલો પ્રશ્ન પણ ટળતો નથી

એકધારી વાતનું કોઈ તો વિષયાન્તર કરે
હું મને કહું છે અને તે હું ય સાંભળતો નથી

ભર બપોરે વિસ્તરી ગઈ છે અહીં કેવી અમાસ
મારો પડછાયો હું શોધું છું અને મળતો નથી

હાથ આખો યે સમયના સૂર્યમાં પીગળી ગયો
હસ્તરેખાનો બરફ આ છે કે પીગળતો નથી

મેં ભરેલા શ્વાસની લંબાઈ ત્યાં લાવી મને
જ્યાં ઉગેલો સૂર્ય રાતે પણ કદી ઢળતો નથી

સાફ બેહદ થઈ ગઈ છે દ્રષ્ટિઓ મારી હવે
કોઈ કિસ્સો સ્વપ્નમાં પણ આંખને છળતો નથી.


0 comments


Leave comment