69 - ઉત્તર નથી / ગની દહીંવાલા


શક્ય મુજ દર્શન કિનારા પર નથી,
હું ફક્ત તોફાન છું, સાગર નથી.

પ્રેમ-બિન્દુ છું ભલે સાગર નથી,
માનવી છું, કોઈ પયગમ્બર નથી.

ખેલનારા ! જિન્દગીથી ખૂબ ખેલ,
હું ફરીને આવું એ અવસર નથી.

આંખ વાટે તેઓ દિલમાં આવશે,
મેં અકારણ ધોએલો ઉંબર નથી.

હાસ્ય મોઢા પર ને પાલવ તાર તાર,
પુષ્પ, શું તારું હૃદય પથ્થર નથી !

અસ્ત મુજ વેરી જશે નવલાં કિરણ,
હું ક્ષિતિજે ડૂબતો દિનકર નથી.

સ્તબ્ધ કાં મુજ સાદ સુણતાં થઈ ગયા ?
પ્રશ્ન છું પોતે, કોઈ ઉત્તર નથી.

પ્રકૃતિનું મૂળ મેં શોધ્યું “ગની’,
દિલ નિરસ છે તો કશું સુંદર નથી.


0 comments


Leave comment