73 - સુમાર જોઉં છું / ગની દહીંવાલા


જ્યારે નિરાશ દિલમહીં કોઈનો પ્યાર જોઉં છું,
રાતના ગર્ભમાં છૂપી જાણે સવાર જોઉં છું.

મારી સફરનો અંત કે આરંભ બસ અહીં થશે,
વિશ્વ-પ્રદક્ષિણા ફરી આપનાં દ્વાર જોઉં છું.

મારી વિશાળ આરસી જેના કરોડ કોણ છે,
હું તો જગતની આંખમાં મારો ચિતાર જોઉં છું.

આપનું હાસ્ય જોઈ ને પુષ્પ હસે છે ઉપવને,
મુજથી રડી પડાય છે, જ્યારે તુષાર જોઉં છું.

પ્રેમમાં દિલ-દિમાગની જોઈ અલગ-અલગ મતિ,
શાંતપણે ઊભો રહી આ જ સુમાર જોઉં છું.

જ્યારે જગતની હોય છે મારા પ્રતિ બૂરી નજર,
ત્યારે તમારી આંખમાં વિશ્વનો પ્યાર જોઉં છું.

એવા પ્રસંગને ‘ગની’, લોક કહે છે જિદગી !
એક સ્થળે હું કોઈની વાટ લગાર જોઉં છું.


0 comments


Leave comment