78 - ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ / ગની દહીંવાલા

‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’
આકાશે ફરકતું રહેજો ત્રિરંગી નિશાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

મુક્ત વસંતો, મુક્ત હવાઓ, મુક્ત ઝૂલે હરિયાળી,
મુક્તપણે ઉપવનમાં સૌને ફરવા દેજે માળી !
મુક્ત સ્વરે તું ગાજે બુલબુલ ! મુક્તિ કેરાં ગાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

કાળ જતાં એ કાળાં વાદળ કાયમનાં વિખરાશે,
પાનખરે પીંખેલું ઉપવન પુન: લીલુંછમ થાશે,
આઝાદીનાં પર્વ ગણાશે પ્રગતિનાં સોપાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

રણસંગ્રામે નિત્ય ઝુઝયા છે કૈંક માડીના જાયા,
પ્રાણ દઈ જેઓએ પૂર્યા આઝાદીના પાયા,
આભમહીંથી પોકારે એ વીરોનાં બલિદાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

તાપ ખમી સંતાપતણો એક નવું ઘડાશે જીવન,
જીવનમાં માનવ કરશે માનવતાનાં દર્શન;
ઊંચુ મસ્તક લઈને ફરશે આ તારાં સંતાન !
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

0 comments

Leave comment