83 - મેઘાણી / ગની દહીંવાલા


અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી !
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી !

હવે હે, મોરલા ! તારો અષાઢી કંઠ ક્યાં મળશે !
કવનનાં વૃક્ષ પર ખાલી છે તારી ડાળ, મેઘાણી !

સ્મરણમાં નિત નવા લેબાશમાં હું જોઉં છું તુજને,
કદી સાફો, કદી વાંકડિયા તારા વાળ, મેઘાણી !

કદી અંધારમાં 'ઇન્સાનિયતના દીવડા’ આપ્યા,
કદી ‘ધરતીનું ધાવણ' દઇ ઉછેર્યા બાળ, મેઘાણી !

વગાડી તે નજાકતથી કદી ‘ટાગોરની વીણા’
સરળતાથી સુણાવ્યા ચારણોના ઢાળ, મેઘાણી !

અચાનક તે સભામાંથી ઊઠીને ચાલવા માંડ્યું,
બધા શ્રોતાઓને હૈયે પડી ગઈ ફાળ, મેઘાણી !


0 comments


Leave comment