2 - દર્દીલી મધુરમ / પ્રસ્તાવના / ગાતાં ઝરણાં / ઉમાશંકર જોશી


‘ગની’ ગુજરાત મારો બાત છે, હું છું ગઝલબુલબુલ
વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું,
ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે;
જીવન ખરું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.
(‘લઈને આવ્યો છું.’)
   ગુજરાતના બાગમાં સદભાગ્યે છેલ્લા એક સૈકાથી ખાસ કરીને છેલ્લી વીશીમાં અનેક ગઝલબુલબુલોનો નાદ ગુંજી રહ્યો છે. ભાઈ ‘ગની’ને તેમાં મધુર કંઠની બક્ષિસ મળેલી છે. એમને જેમણે સાંભળ્યા હશે, તેમને એ મંજુલ હલક દ્વારા રેલાતી હૃદયની સરળ દર્દીલી મધુરતાની ચોટ વાગી જ હશે.

   ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા માટે ઘણું અનુકુળ વાહન છે. કવિ સૂચવે છે કે પ્રેમની – વિરહની વેદના તો એક માનવી જ ઉપાડી શકે.
ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ;
આ ધરતી પર ચાલી તો જુઓ જ્યાં સાંજ સવારે ચાલુ છું.
(‘જીવનપંથે’)

   એ પૂરું જાણે છે કે
હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી.
(‘વારતા આવી’)

   એ વ્યથા કોઈ પોતાના જેવો જ ઉપાડી શકે એવી એની માન્યતા છે :
મારી વિપદને કોઈની જીભ ઉપર મૂકી જુઓ.
(‘કથાનો સાર છે.’)

   વિરહમાં આશા નિરાશા-વચ્ચે ઝોલાં ખાતું હૃદય આ કૃતિઓમાં ઠીક છતું થયું છે.
ચમકંત સિતારા ડૂબી ગયા, નભમંડળ પણ વિખરાઈ ગયું;
ઓ આશ, હવે એ ના આવે, પોઢી જા, વ્હાણું વાઈ ગયું.
(‘વ્હાણું વાઈ ગયું’)

   અને છતાં આશાનો ધબકાર નીચેની પંક્તિઓમાં કેવી ચમત્કૃતિભરી રીતે ચીતરાયો છે !
પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે,
જાવું હો જિંદગી ! તો જા, મુજને લગીર વાર છે.
(‘કથાનો સાર છે’)

   પ્રેમીની મહત્ત્વાકાંક્ષાને તો કોઈ પાર છે ? હમણાં તો આશાને પ્રિયતમાનું નામ મૂકી દેવાનું કહીને ઢબૂરી દીધી હતી અને પળવાર પછી પાછા કેવા તો ગગનસ્પિશી ઓરતા જાગે છે ! પ્રિયતમા સામે થઈને બોલાવે ને પોતે હું નહિ આવી શકું એમ કહી શકે એવી તક માટે એ ઝંખે છે :
હે પરવશ પ્રેમ ! શું એવો પ્રસંગ એક વાર ના આવે ?
એ બોલાવે મને ને હું કહું, ‘આવી નથી શકતો !’
(“આવી નથી શકતો')

   પણ પરવશ ન હોય તો એ પ્રેમ શેનો ? પ્રેમમાં, ઉપર કહી તેવી બેફામ મહત્વાકાંક્ષા સેવનારાઓ શું પામે છે એ જાણવું છે ? ‘ગની'ને પૂછી જુઓ :
મારી સામે જોઈ મોઢું ફેરવી લેવું અને
પૂછવું પરને ‘ગની’ કાં આજ દેખાતા નથી ?
(“દેખાતા નથી ?')

   એ બોલાવવા કહેણ મોકલે ને પોતે એ કહેણ પાછું ઠેલે - એ વાત તો કોરે રહી, પોતે ગયા, પણ એ તો આંખ ચોરી અને ઉપરથી બીજાને પૂછયું ‘ગની’ કાં આજ દેખાતા નથી ? આ આટલો સવાલ પણ પોતાને જ સીધો પૂછયો હોત તો જાણે ધન્ય ધન્ય થઈ જાત ! પણ સવાલ એવો છે કે પોતાને પૂછી ન શકાય. ઊલટું બીજા સાથે વાત કરવા માટેની તક તરીકે પોતાનો ઉપયોગ થાય છે, અને એમ ઉપેક્ષામાં ઇર્ષા ઉમેરાય છે.

   એની એકલતા, અને એકલતા ન નિવારી શકાય તો કાંઈ નહિ પણ એ સંકોરાય નહિ એવી યાચના, જુઅો :
પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે ?

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે;
છો એનું તમે ઔષધ ન બનો પણ દર્દ વધારો શા માટે ?
(“શા માટે”)

   આ બધાં કારસ્તાન જુવાનીનાં છે એમ સમજાતાં હૃદયને આશ્વાસન કેવું સહૃદય રીતે આપવામાં આવ્યું છે !
તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
ન રડ દિલ ! હશે એજ મરજી ખુદાની
(‘મારી યુવાની')

સિતારાઓ, સુણો કથની ધરાની લઈને આવ્યો છું.
(‘લઈને આવ્યો છું’)

   કવિ પૂજાલાલનું એક મુક્ત છે :
તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમીવાદળી.
   (પ્રથમ પંક્તિ ગઝલની રીતે વાંચી ગયા, નહિને ? અનુષ્ટુપ અરબી છંદરૂપે પણ વાંચી શકાય એ રીતે એ પંક્તિમાં ગોઠવાઈ ગયો છે.) પૂજાલાલ ધ્વનિરૂપે રાખે છે, ‘ગની’ એન કળાદષ્ટિનું નામ આપે છે :
ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે,
જીવન ખારું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.

   પણ આ પ્રેમની દીવાનગીએ એને એક નવી શક્તિ બક્ષી છે. જગતને આત્મસ્વરૂપ જોવાની કળાની બારાખડી એ પામી ચૂક્યો છે :
જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક જોઉં છું મારું કથાનક હોય છે.
(‘આત્મબળ’)

   લક્ષ્યને પામવા વિશેની નિરર્થક તાલાવેલીમાંથી, ઝંખનાના ડંખમાંથી, એ છૂટી ગયો છે :
થાકીને ઢળી જ્યાં દેહ પડે ત્યાં જ બસ મંઝીલ મારી.
(‘જીવનપંથે’)

   આ સ્થિતિ પામીને મૃત્યુને કેટકેટલું પચાવ્યું છે !
જિંદગી એવા આ શ્વાસો લઈને જીવ્યો છું ‘ગની’,
કૈંક વેળા, આ જગત મારા વિનાનું થઈ ગયું.
(‘બહાનું થઈ ગયું')

   આમાંની અત્યુક્તિ પણ કેવી મનોરમ છે !
   પ્રેમ વિરહ, આશા નિરાશા, મૃત્યુ- આ બંધનમાંથી ઊડતી સુગંધ, સુંદરતા, એ સ્તો ધરાની સૌથી મોટી અસ્કયામત છે. કવિ બુલંદ સૂરે ગર્વભેર પુકારે છે :
હૃદયનાં ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું,

   યુવાનીની કસૂરોની શિક્ષામાં છટકવાની કવિની દલીલ તો જુઓ. (એ કાંઈ ઓછી જ ચાલવાની છે ?) –
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે ?
(‘શા માટે’)

   યુવાની બુદ્ધિને થાપ આપે છે. પણ બુદ્ધિની આ લાચાર સ્થિતિને પ્રેમી ધનભાગ્ય માને છે :
ધનભાગ્ય ! જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડ્યાં,
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.
(‘મયખાર બનીને રહેવું છે’)

   એક જ ભાવ બંનેએ પોતપોતાની રીતે કેવો સુંદરતાથી ગાયો ! ખારાશ જીરવીને બીજાને માટે સંજીવની સમી વર્ષા વરસાવવી એ જ તો જીવન-કળા છે. (જીવનનો અર્થ પાણી અને જિંદગી છે.) આ કળાદષ્ટિ કળાકારને કોઈને કોઈ શ્રદ્ધામાંથી સાંપડે છે. આપણા કવિ બુલંદસ્વરે ખુમારીથી ગાય છે તેમ શ્રદ્ધાનો પ્રત્યુત્તર પણ કેવો અદ્ભુત સુંદર મળે છે :
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને;
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

   ઉપર ભાઈ ‘ગની’ની ભાવસમૃદ્ધિનો આછો આલેખ આપ્યો, તેમાંથી એમની કવિત્વશક્તિનો પણ કાંઈક ખ્યાલ જરૂર આવશે. ગઝલ એ અનોખો કાવ્યપ્રકાર છે, જેમાં હરેક શેર (કડી) પાણીદાર મોતી જેવું હોય એ જરૂરી છે. ઉપર અલબત્ત, ચૂંટેલા શેર રજૂ થયા છે, એટલે એવા જ બધા શેર છે, અથવા આખી ને આખી ગઝલો બધી ઉત્તમ છે એવું સૂચવવાનો આશય નથી. પણ ભાઈ ‘ગની’ની શક્તિનો અંદાજ એ ઉપરથી આવી જશે એવી અપેક્ષા છે જ. ‘ચમન માટે’, ‘કિનારા પર', ‘લઈને આવ્યો છું’, ‘જીવનપંથે’, ‘શા માટે ?’ જેવી ગઝલો સળંગ રચના તરીકે આ લખનારની જેમ અન્ય કાવ્યરસિકોને પણ માતબર લાગશે એવી આશા છે. પોતે આજીવિકા માટે જે વ્યવસાય કરે છે તે ઉપરથી રચેલું ‘પ્રિયતમા’ પણ સૌને ગમી જશે જ.

   ગઝલ અને બીજી કૃતિઓના છંદ વિષે મારા કરતાં કોઈ જાણકાર અધિકારી કહી શકે પણ એક વસ્તુ તરફ ઉચ્ચાર તરફ અહીં નોંધ કરું છું. અરબી છંદો લધુ-ગુરુ એમ માત્ર બળથી સમજી શકાય છે છતાં એમાં વજન (stress)ને સ્થાન લાગે છે. એટલે એ રીતે પંક્તિમાં શબ્દોનો ઉચ્ચાર થવો જોઈએ. આપણી ભાષામાં આવી ગુંજાયશ છે એટલું જ નહિ, પણ ભવિષ્યમાં છંદોના વિકાસમાં આવી વજન ઉપર વધુ લક્ષ આપતી ઉચ્ચારપદ્ધતિ ઘણો ફાળો આપી શકે એવી છે. એક પંક્તિ જુઓ :
છે નામનો આ ગૃહસ્થાશ્રમ પણ ડરવાનો વિસામો ક્યાંય નથી

   આમાં ‘હ’ થડકારથી ગુરુ થવા દેવાનો નથી અને એ બે ‘ઓ’નો લઘુ ઉચ્ચાર થાય છે. ‘નામનો’ ને, મળતો (આ ઉપર ભાર ન આવે એવો) ઉચ્ચાર થાય તો એમાંના ‘ઓ’નો લઘુ ઉચ્ચાર કરવાની જરૂર ન રહે... પણ આ ઉચ્ચારો તો ગઝલના લયના વેગમાં આપોઆપ વજન પ્રમાણે થઈ જવાના. એની લાંબી ચર્ચા અહીં જરૂરી લાગતી નથી.

   ગઝલ સિવાયની કૃતિઓમાં બે ગીતો ખાસ નોંધપાત્ર છે. બલકે ભાઈ ‘ગની’ની ઉત્તમ કૃતિઓમાંથી એ બે છે : એક તો ‘સરિતાને’ અને બીજું ‘ભિખારણનું ગીત’. પહેલું ગીત જોઈ ટાગોરની એક ‘નદી' કરીને રચના છે તે મને યાદ આવી. એમાં એક નદીતટે બેઠાબેઠો નદીમાં ઊઠતાં અસંખ્ય મોજા જોયાં કરતો હોય એમ નાની નાની કાવ્યપંક્તિઓની એક પરંપરા ટાગોરની લહેરાવી છે. ‘સરિતા’ને નદીના વેગને અને ગાનને લક્ષ્ય કરીને ચાલે છે. આપણને નદી સાથે માનસયાત્રા કરાવતાં કરાવતાં એ પંક્તિઓનાં ગુંજન દ્વારા જ સરિતાનું ગાન જાણે કે કાનોકાન સંભળાવે છે.
વૃક્ષો ઝૂમે, ડાળી ઝૂમે,
કાંઠાની હરિયાળી ઝૂમે,
નૃત્ય કરે સૌ જંતુ જળનાં,
ફરે ફૂદરડી નીર વમળનાં.

તાલ સ્વયં તું, ગાન સ્વયં તું,
સુણવા કાજે કાન સ્વયં તું,
ગીત રહી ના જાય અધૂરું,
થાય પ્રલયનાં પાને પૂરું.

મત્ત પવનની લહેરો સાથે લહેરાતી મદમાતી,
તું રહેજે સરિતા ગાતી !

   ‘ભિખારણનું ગીત’ એક ખરે જ સુંદર રચના છે, ગગનવિહારિણી આશા અને હૃદય કંપાવનારી વાસ્તવિકતા - એ બંને ઉપર એક એક આંખ રાખીને કવિ ગાય છે.
ભિખારણ ગીત મઝાનું ગાય,
આંખે ઝળઝળીયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભૂ મને મંગાવી આપજે, સોના રૂપાનાં બેડલાં,
સાથ સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલા.’

એના કરમાંહે છે માત્ર,
ભાંગ્યુ તૂટ્યું ભિક્ષાપાત્ર.
એને અંતર બળતી લા’ય
ઊંડી આંખોમાં દેખાય.
એને કંઠે રમતું ગાણું, એને હૈયે દમતી હાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભુ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પે’રી ઓઢીને મારે ના’વા જવું છે ગંગા-જમનાને તીર.’
   વળી માગે છે :
‘શરદ પૂનમનો ચાંદો પરભુ મારે અંબોડે ગૂંથી તું આપ,
મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આપ.’

એના શિર પર અવળી આડી,
જાણે ઊગી જંગલ-ઝાડી
વાયુ ફાગણનો વિંઝાય;
માથું ધૂળ વડે ઢંકાય.

એના વાળે વાળે જુઓ બન્ને હાથે ખણતી જાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.

કેવી ભીષણ વાસ્તવિકતા ! અને છતાં એની આકાંક્ષા શું ગુંજી ઊઠે છે -
‘સોળે શણગાર સજી આવું પરભૂ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે. !’

    આ એક ગીતમાં પણ કવિની કવિત્વશક્તિનો પૂરો પરિચય આપોઆપ મળી રહે છે.

   ભાઈ ‘ગની’ની રચનાઓ પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા કરનાર સૂરતની ‘શ્રી ગની કાવ્યસંગ્રહ પ્રકાશન સમિતિ’ને અભિનંદન ઘટે છે. એ આખા ખ્યાલમાં સ્નેહની સુવાસ છે, કવિતા છે આપણે સામાન્ય રીતે મોડા જાગીએ છીએ અને સ્મારકોરૂપે શક્તિને આ રીતે વેળાસર ઓળખી શકાય તો વધુ સારું. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ભાઈ ‘ગની ‘ ઉત્તરોઉત્તર ને વધુ રસભર કૃતિઓ આપતા રહેશે એવી સદ્દભાવના.
- ઉમાશંકર જોશી


0 comments


Leave comment