87 - આપણે… / રમેશ પારેખ


એકમાર્ગી આપણા કોન્ક્રીટના રસ્તા ઉપર
આપણે કંઈ ઘાસ જેવું ઊગતું જોયું નથી
કંઈ નથી જોઈ શકાતું કેમકે
આપણામાં આપણે ક્યારે હતા

આપણે તો હું – તમે – તેઓ વગરના શ્હેરમાં
પ્રેત જેવું આથડ્યા કરીએ છીએ
આંગળી કોઈ દિશામાં ક્યાં ચીંધી શકીએ છીએ
ફૂટેલ ફલાવરવાઝ જેવા હાથ લઈ ફરીએ છીએ

આપણે તો કેડીઓનું ગૂંચળું
ઝૂમખું બેપાંચ ગોકુળ ગામનું
આપણામાં કોઈ પણ ટોળે વળે

ચરણ અંધ ચાલ્યા કરે ક્યાંકનાં ક્યાંક ને
થાક નીચે ડૂબે સ્વર્ણ દ્વારમતી
ઊભી ઊભી ઝૂરે એક તારામતી
કાળજું હાથમાં લઈ હરિશ્ચંદ્રનું રોજ તાક્યા કરે
કાશ, કૂંપળ ફૂટે....

કૂંપળો કોન્ક્રીટના રસ્તા ઉપર ફૂટે નહીં
દડદડી નીચે પડે રેખા હથેળીની
અને ફૂટે નહીં

કાન સુધી તંગ પણછોથી ય તીર છૂટે નહીં
તીરમાં કૈં લોહી તરસ્યાં કેટલા સંગ્રામ
કેટલા ગજ અશ્વ યોદ્ધા હણહણે
આંગળી પર એકધારાં ટેરવાં વેઢા ગણે
બોંતેર પેઢી
ધૃતરાષ્ટ્રી બાળપોથીઓ ભણે

આપણે સંબધની છાતી ચીરીને
લોહી પી શકીએ નહીં
ઉપલી બરછટ ત્વચા
બે સ્વાદ દાંતે ચાવીએ
આપણા નખ પર હું ફિક્કી ધાર થઈ બેસી રહું
ને વોર્ડ નંબર પાંચનો દર્દી બની
કોન્ક્રીટતાના દર્દથી કણસ્યા કરું...
કણસ્યા કરું...
રુગ્ણાલયમાં કોઈ ચિકિત્સક નથી

તમારા કપાયેલા હાથ માટે
ચીંથરેચીંથરે થઈ ગયેલી તમારી આંખો માટે
તમારી કોહવાઈ ગયેલી છાતી માટે
તમારા પાંચ સૈકા લાંબા પગ માટે
કોઈ ઉપચાર નથી....
કોઈ જ ઉપચાર નથી

છ માળના તૂટી જતાં મકાન નીચે
કે ઊથલી પડતી ટ્રેન નીચે
દબાઈ જતાં ૪૦ માણસો માટે
વૃત્તપત્ર સાથે ચા પીતાં પીતાં
તમે ચચચ કરી ઊઠો ને તરત
હાથમાં ચાનો કપ ઠરી રહ્યાનું કેવળજ્ઞાન થાય
અને તમારા ગળા સુધી આવી પહોંચેલા તમે
ચાના ઘૂંટડા સાથે નીચે ઊતરી જાઓ....

દિવસમાં આવી કેટલી ય ચડઊતર તમે કરો
વરસમાં આવી કેટલી ય ચડઊતર તમે કરો
અને પછી તમે થાકી જાઓ
પછી ગોદામમાં પડેલી બોરીની જેમ
તમારે તળિયે તમે પડ્યા રહો

એટલે તો
હૉસ્પિટલના સર્જિકલ વોર્ડમાં
ગ્લુકોઝ સેલાઈનના ખાલી શીશામાં
બ્રોમાઈડનું ગુલાબી પાણી ભરી
વૉર્ડ બોય દરરોજ સવારે
તેમાં ઈંગ્લીશ ફૂલોનો ગજરો મૂકે છે
ત્યારે સમજાય છે કે
મારા ગામના ટાવર પાસે
પબ્લિક કેરિયર નીચે કચરાઈ ગયેલા
એંસી વરસનાં માણસની મરણમુઠ્ઠીમાં શું હતું

ને છતાં ય
દાદાજીના મૃત્યુ દિવસે
મિષ્ટાન્ન ખાધા વિનાનો શોક પાળીએ
ફોટામાં બાપુજી હસ્યા કરે
ને તમારા પાંચ માસના કીકાને છાનો રાખવા
તમે તેને અમૂલનું દૂધ પાવા બેસો
કારણકે
તમે પરમ આસ્થાળું છો
તમે સંશયાત્મા નથી
તમને દરેક બાબત પર શ્રધ્ધા છે
ઘરની છત પડે જ નહીં
આવતી જન્મગાંઠ તો તમે દબદબાભેર ઉજવવાનો છો
સેફ ડીપોઝીટ વૉલ્ટમાં પડેલો તમારો કીમતી અસબાબ
કોઈ ચોરી શકે તેમ નથી

પણ મારી શ્રધ્ધાને લૂણો લાગી ગયો છે
મને હવે મારા પર પણ શ્રધ્ધા નથી
હું કંઈ પણ ન કરી શકું એવી શ્રધ્ધા પણ નથી

કેટલું ચાલ્યો હોઈશ તેની તો ખબર નથી પણ
મારા સાથળના મૂળમાં
ગાંઠ થઈ ફૂટી નીકળેલાં
મોહેં– જો – દરોને
ફરી એકવાર જ્વાળામુખી ફાટવાની પ્રાર્થના કરતાં સાંભળું છું
એટલે હું જાણું છું કે
ખંડેર મને બાળી શકે છે
રસ્તો મને દાટી શકે છે
શક્યતાઓ મને આરપાર છેદી શકે છે....
એટલે
કદાચ એટલે જ
મન એકાગ્ર કરી શકતો નથી
ઈશ્વર નામના એક ભ્રમને માળામાં ફેરવવાના પ્રયત્નોમાં

અર્થતા કે વ્યર્થતામાં
ઝબોળાઈ આંગળીઓ
મધપૂડે મધપૂડે ગોફણ-શી ફંગોળાય
પણ એનું મૂલ્ય નથી
નિશ્ચયોની નસેનસ તૂટી ગઈ
ઊંઘની બખોલ પણ તૂટી ગઈ
હુંફ પણ તૂટી ગઈ તડતડ

ઊંઘવાની ગોળીઓમાં ઊંઘ જેવું કશું નહીં
પાંપણ વિનાની આંખે તગતગ તાકીએ
આરસીના બદલામાં આપણે જ ફૂટી ગયા

વર્તમાન પત્રના કમ્પોઝ જેમ આપણે
ગંધાતા અતીત વડે
ધીમે ધીમે પાસે પાસે આપણાયા કરવાનું

અરસપરસતાના શાપમાંથી પામવો છે સાચુકલો મોક્ષ
અને હસવાની વાત છે કે રાષ્ટ્રગીત ગાઈએ

અભાવવાચકતાનું ઘાસ ચર્યા કરો અને
બીડી તો બે ફૂંકમાં ખલાસ મારા રામ
બાકસ ઉપર ચિત્તાફાઈટનું ચિત્ર
અને રુંવેરુંવે માણસનું સર્વનામ લવકે...
રડ્યા પછી રડવાનું ખાસ કંઈ રહે નહીં
પડ્યા પછી પડવાનું ખાસ કંઈ રહે નહીં
આપણે તો રડું – પડું હોય તેવું જીવીએ

આંગળીઓ કશાકની માથે રે તોળાય
પણ કશાયને અડે નહીં
( તતડે બપ્પોર તો ય સાંજ જેવું પડે નહીં )
ટેરવાંની ટોચ સુધી આવી આવી સળવળ
ટાઢાબોળ રુધિરમાં પાછી વળી જાય
નહીં ઊગેલી પાંદડીઓની રેખાઓમાં
રેખા થઈને પડી રહેલી કોઈ સાંજ –
-ના પડછાયાઓ ખખડી ઊઠતાં
કોણ – કહીને દ્વાર ખોલવા જઈએ
જઈને રિક્ત પવનમાં ફંગોળાતા
ખિન્ન વ્યાપને
ક્યાંય ક્યાંયના ક્યાંય તાકતા રહીએ
-તેવી આંખો ઉપર
ભડકે બળતાં અવાજના ચિતરામણ...

અને આપણે.

અને આપણે
રાતીચોળ લાગણીઓનો
ફૂટી ગયેલા છિન્ન ઘમંડનો
વિદૂષકના મહોરાનો
પગરખાંની ચૈડચૂં–નો બોજો ઊંચકવાનો સતત
ને કરવાનો ચાહવાનો ડોળ
અને ડોળ પણ બની શકે
વેદનાનું કારણ
કારણો વડે આપણે અનન્ત ખોદાતા રહીએ
અને આપણી આસપાસ
વિસ્તર્યા કરે પરિસ્થિતિઓ
હા, પરિસ્થિતિની વૈતરણીને તરવી આપણે
શક્યતાની સીડીઓ ચડવી ઊતરવી આપણે

બંધ મુઠ્ઠીઓ અનાગતની કદી પણ ના ખૂલે
વંધ્યતા તરસી હથેળીની નીતરવી આપણે

શબ્દ દ્વારા ક્યાં પ્રતીતિ થાય છે પથ્થરની પણ ?
મૃત ભાષાઓથી ખાલી વાત કરવી આપણે....
મૃત ભાષાઓથી ખાલી વાત કરવી આપણે....


0 comments


Leave comment