2.11 - હમણાં હમણાં / મુકેશ જોષી


પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં

કોનો એને સંગ થયો છે ખબર નહીં
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં

પ્હેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં

તમે કોઈને ભૂલેચૂકે ના ગાળો દેતા
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં


0 comments


Leave comment